ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મતદાતાઓનો રોષ પણ જોવા મળશે. કોઈ વખત ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો લાગશે અથવા તો ઉમેદવારો વિરૂદ્ધ પોસ્ટરો લાગશે. વડોદરાના ઉમેદવારના નામની જાહેરાત થઈ છે ત્યારથી એવું લાગે છે કે ભાજપમાં ચાલતા આંતરિક ડખા સામે આવી રહ્યા છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ મતદાતાઓનો રોષ જોવા મળ્યો છે. વડોદરામાં અનેક જગ્યાઓ પર રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા છે. શહેરમાં મંગળવારની મોડી રાતે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા.
રંજન ભટ્ટને રીપિટ કરાતા ભાજપમાં શરૂ થયો હતો આંતરિક ડખો!
ભાજપ માટે કહેવામાં આવે છે કે અનેક વખત એવા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવતી હોય છે જેને લઈ લોકો તો ઠીક પરંતુ કાર્યકર્તાઓ પણ અચંબીત થઈ જતા હોય છે! આ વખત એવું લાગતું હતું કે અનેક નવા ચહેરાને ઉમેદવાર તરીકે ભાજપ ઘોષિત કરી શકે છે. પરંતુ આ વખતે અનેક સાંસદોને રીપિટ કરવામાં આવ્યા છે. તેમાનાં એક છે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ. રંજનબેનને ત્રીજી વખત રીપિટ કરવામાં આવતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ બહાર આવી ગયો હતો. ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચના ઉપાધ્યક્ષ અને પૂર્વ મેયર ડો.જ્યોતિબહેન પંડ્યાને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પણ આ વિરોધ પ્રદર્શન ઘટયું ન હતું.
આ વિસ્તારમાં લગાવાયા સાંસદ રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર
તે બાદ ગઈકાલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રાજીનામું આપવામાં આવ્યું, બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચી લીધું હતું પરંતુ જ્યારે આ રાજીનામું આપ્યું ત્યારે એવું લાગતું હતું કે રંજનબેન ભટ્ટને રીપિટ કરવામાં આવતા આ નિર્ણય લીધો છે. તે બાદ વડોદરના અનેક વિસ્તારોમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ પોસ્ટર લાગ્યા હતા જેમાં મતદાતાઓમાં રોષ હોય તેવું દેખાઈ રહ્યું છે. મંગળવારની મોડી રાત્રે સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટી પાસે સાંસદ રંજનબેન ભટ્ટના વિરોધમાં પોસ્ટરો લાગ્યા હતા. તે ઉપરાંત ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ પણ આવા બોર્ડ લાગ્યા હતા.
પોસ્ટરમાં શું લખવામાં આવ્યું છે?
વિરોધમાં જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે તેમાં લખવામાં આવ્યું છે ‘મોદી તુજસે વેર નહીં રંજન તેરી ખેર નહીં’, ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો, કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે.’મળતી માહિતી અનુસાર વડોદરામાંથી હાલ તો આવા પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. અને આ મામલે પોલીસ તપાસ પણ કરી રહી છે.