ચૂંટણી પહેલા વડોદરામાં પોસ્ટર વોર શરૂ થઈ ગયો છે. વડોદરાના અનેક વિસ્તારોમાં રંજનબેન વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે મોદી તુજસે બેર નહિ પર રંજન તેરી ખેર નહિ..! આ પોસ્ટર લાગતા જ તંત્ર એક્ટિવ થઈ ગયું. ચૂંટણી પંચ સુધી આ વાત પહોંચી ગઈ હતી, તાત્કાલિક પગલા પણ લેવાયા. હવે આ પોસ્ટર વોરનો અંત આવ્યો છે. જે લોકોએ લોકસભાના ઉમેદવાર અને સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવ્યા હતા તે કોંગ્રેસના કાર્યકર્તા નીકળ્યા. અટકાયત કરી પોલીસે પૂછપરછ કરી અને તેમને છોડી પણ દેવામાં આવ્યા છે.
રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ લગાવવામાં આવ્યા પોસ્ટર
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે. અનેક બેઠકો પર ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા છે તો અનેક બેઠકો પર નવા ઉમેદવારને તક આપવામાં આવી છે. વડોદરા બેઠક પરથી સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરવામાં આવ્યા હતા. આ જાહેરાત બાદ ભાજપમાં ચાલતો આંતરિક ડખો ખુલ્લીને સામે આવ્યો. શહેરના પૂર્વ મેયરે આને લઈ વિરોધ દર્શાવ્યો અને તે રાજીનામું આપે તે પહેલા જ તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. આ મામલો શાંત પડ્યો ત્યારે સાંસદ વિરૂદ્ધ અનેક જગ્યાઓ પર પોસ્ટરો લાગ્યા. થોડા સમયની અંદર પોસ્ટરો હટાવાઈ દેવાયા. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી પણ સામે આવ્યા હતા.
જેમણે સાંસદ વિરૂદ્ધ પોસ્ટર લગાવ્યા તે કોંગ્રેસના કાર્યકર નિકળ્યા!
આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. પોલીસે પોસ્ટર લગાવનાર હરીશ ઉર્ફ હેરી ઓડ સહીત કાર્યકર્તાની અટકાયત કરી. કોંગ્રેસના કાર્યકર હેરી ઓડની પોલીસે પૂછપરછ કરી અને તે બાદ બહાર આવેલા કોંગ્રેસના કાર્યકર્તાએ પ્રેસ સમક્ષ કહ્યું કે 'બે ટર્મથી ચૂઇંગ-ગમની જેમ ચોટેલા રંજનબેન ભટ્ટને પરસેવો પાડવા માટે પક્ષ ટિકિટ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છું' આ સમયે કોંગ્રેસના કાર્યકરોએ ઈન્કલાબના નારા લગાવ્યા હતા. તેમણે કબુલતા કહ્યું કે હું જાતે જ કહું છું કે, મેં બેનર લગાવ્યા હતા. મારા અંતર આત્માએ કહ્યું. પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા કહેતા હોય કે, એમનો અંતર આત્મા બોલે છે. તો મારો અંતર આત્મા જાગ્યો તો મેં બેનર લગાવ્યા છે.
પોસ્ટરોને લઈ રંજનબેને આપી હતી પ્રતિક્રિયા
જોકે બબાલ અહીંયા પુરી નથી થતી આ પોસ્ટર વોર પર સાંસદ રંજનબેન ભટ્ટનું કેહવું છે કે વડોદરાને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. વડોદરા શહેરના ભાજપના કાર્યકરો ખૂબ શાંત બેઠા હતા અને સહનશક્તિની એક મર્યાદા હોય, પરંતુ મોડી રાત્રે જે રીતે આ પોસ્ટર લગાવવામાં આવ્યા અને સવારે જ્યારે ખબર પડી અને પોલીસ કમિશનરને જ્યારે ફરિયાદ કરવામાં આવી, ત્યારે હું મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો ખૂબ ખૂબ આભાર માનુ છું મારી તાકાત મારા કાર્યકર્તાઓ છે