ઉત્તરકાશીમાં ટનલની નીચે ફસાયેલા 41 શ્રમિકોને આજે જીવનદાન મળી શકે છે. છેલ્લા અનેક દિવસોથી ટનલમાં ફસાયેલા શ્રમિકો માત્ર થોડા કલાકોની અંદર બહાર આવી શકે છે તેવી માહિતી સામે આવી છે. 41 શ્રમિકોને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યો છે અને રેસ્ક્યુ ઓપરેશન પોતાના અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. શ્રમિકોને બહાર નીકાળવામાં આજે મોટી સફળતા મળી શકે છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. નિવેદન અનુસાર સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવાનું ઓપરેશન હવે અંતિમ તબક્કામાં છે. કામદારોને બહુ જલ્દી બહાર કાઢવામાં આવશે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ તેમજ એમ્બ્યુલન્સની ટીમ હાજર છે.
શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમ ટનલમાં પહોંચી!
ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અલગ અલગ રીતથી શ્રમિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા. રેસ્ક્યુની કામગીરી પોતાના અંતિમ તબક્કામાં પહોંચી છે. શ્રમિકોને બચાવવા માટે એનડીઆરએફની 21 સભ્યોની ટીમ ઓક્સિજન સિલિન્ડર સાથે ટનલમાં પહોંચી છે. ટનલની બહાર એમ્બ્યુલન્સ હાજર છે. ચિન્યાલી સૌઢ હોસ્પિટલમાં તબીબોની અવરજવર ચાલુ થઈ ગઈ છે. NDRFની ટીમે શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢવા માટે પોતાના સાથે પૈડાવાળા સ્ટ્રેચર લીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શ્રમિકો એવી પરિસ્થિતિમાં નહીં હોય કે તે સુરંગની બહાર સુધી ચાલી શકે તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.