10 દિવસ પહેલા ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ટનલમાં ભૂસ્ખલન થતા 41 શ્રમિકો ટનલમાં ફસાયા છે. દિવાળી પહેલા બનેલી આ ઘટનામાં રોજે નવા નવા અપડેટ આવી રહ્યા છે. ટનલ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સળંગ આટલા દિવસોથી ચાલુ રહ્યું છે પરંતુ હજી સુધી શ્રમિકોને બહાર કાઢવામાં સફળતા નથી મળી. ગઈકાલે ટનલમાં ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ જાણવા માટે સીસીટીવી સુરંગની અંદર મોકલવામાં આવ્યા હતા. પાઈપલાઈનની મદદથી શ્રમિકો સુધી ઓક્સીજન તેમજ પાણી મોકલવામાં આવતું હતું ત્યારે ગઈકાલે શ્રમિકોને ભોજન મોકલવામાં આવ્યું હતું.
ગઈકાલે સામે આવ્યો હતો ટનલની અંદરનો વીડિયો
12 નવેમ્બરે ઉત્તરકાશીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. 41 શ્રમિકો ટનલની અંદર ફસાયા છે. શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઠવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. અલગ અલગ પ્લાન બનાવી શ્રમિકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અત્યાધુનિક ટેક્નોલોજીન સહારો આ રાહત કામગીરી માટે લેવાઈ રહ્યો છે. ટનલની અંદર ફસાયેલા શ્રમિકોની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે કેમેરો મોકલવામાં આવ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે ટનલની અંદર ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે. શ્રમિકો સુરક્ષિત છે તે જાણીને શ્રમિકોના પરિવારજનોના જીવમાં જીવ આવ્યો હતો.
શ્રમિકોને મોકલવામાં આવ્યું ભોજન
ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે દિવસ રાત મહેનત કરવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચલાવાઈ રહ્યું છે. શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવી જાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે ઓપરેશન પૂર્ણ થવામાં હજી અનેક કલાકો લાગી શકે છે. ટનલમાં 8 રાજ્યોના 41 શ્રમિકો ફસાયા છે. બચાવ કામગીરી દરમિયાન પાઈપલાઈનથી ઓક્સીજન અને પાણી મોકલવામાં આવતું હતું ત્યારે હવે શ્રમિકોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. શ્રમિકોને જમવામાં પુલાવ તેમજ મટર-પનીર મોકલવામાં આવ્યું હતું તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત ફળો પણ શ્રમિકોને મોકલવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી છે.
શ્રમિકો સુરક્ષિત રીતે બહાર આવે તે માટે થઈ રહી છે પ્રાર્થના
આ ટનલની નીચે જે શ્રમિકો ફસાયા છે તે અલગ અલગ રાજ્યોના છે. ઉત્તરાખંડના 2, હિમાચલ પ્રદેશના 1, યુપીના 8, બિહારના 5, પશ્ચિમ બંગાળના 3, આસામના 2, ઝારખંડના 15 અને ઓડિશાના 5 મજૂરો ફસાયા છે. શ્રમિકોનો આબાદ બચાવ થાય તે માટે અલગ અલગ જગ્યાઓ પર પ્રાર્થના કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આની પહેલા શ્રમિકો સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જલ્દીથી આ શ્રમિકોનું રેસ્ક્યુ થાય તેવી પ્રાર્થના લોકો કરી રહ્યા છે.