શિયાળાની સિઝનમાં અનેક લોકો હિટર ચાલુ રાખીને સૂઈ જતા હોય છે. ગેસ વાળું રૂમ હિટર ચાલુ રાખવાને કારણે 35 વર્ષના એક વ્યક્તિનું અને 3 મહિનાના બાળકનું મોત થઈ ગયું છે. આ ઘટના છે ઉત્તર પ્રદેશના નોયડાની. પરિવાર ગેસ વાળું રૂમ હિટર ચાલુ કરીને સૂઈ ગયા અને હિટરમાં રહેલા ગેસને કારણે ગુંગળામણ થઈ અને પિતા અને તેમના બાળકનું મોત થઈ ગયું.
ઉત્તરપ્રદેશના આ વિસ્તારમાં બની ઘટના!
ઠંડીથી બચવા માટે અલગ અલગ રસ્તાઓ લોકો અપનાવતા હોય છે. બહુ બધા સ્વેટર પહેરીને અથવા રજાઈ ઓઢીને લોકો સુઈ જતા હોય છે. પરંતુ અનેક લોકો ઠંડીથી બચવા માટે હિટર શરૂ કરતા હોય છે. હિટર શરૂ હોય છે અને ઠંડીના લાગે તે માટે થઈ ઘરની બારીઓ બંધ રાખવામાં આવે છે. ત્યારે ગેસવાળા હિટરનો પ્રયોગ કરવાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના ઉત્તરપ્રદેશના સેક્ટર-63 પોલીસ સ્ટેશન વિસ્તારના છીજરસી વિસ્તારમાં બની હતી. મૃતકની ઓળખ સમ્મુ ખાન તરીકે થઈ છે. તે યુપીના પીલીભીતનો રહેવાસી હતા. તે પત્ની ઉઝમા અને પુત્રી સાથે નોઈડામાં ભાડાના રૂમમાં રહેતો હતો. તે અહીં દરજીનું કામ કરતો હતો.
ક્યારે બની ઘટના?
આ જે ઘટના બની છે તે 26 જાન્યુઆરીએ બની છે. મીડિયા રિપોર્ટ અનુસાર એલપીજી ગેસ સિલિન્ડર વાળું રૂમ હિટર ચાલુ કરીને પરિવાર સૂઈ ગયો. બીજા દિવસે સવારે પડોસીઓને તેમને બેભાન અવસ્થામાં જોયા. પડોશી તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. ત્યાં હાજર ડોક્ટરે બાળકને અને પિતાને મૃત ઘોષિત કર્યા. યુવકની પત્નીની હાલત ગંભીર છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના અંગે 26 જાન્યુઆરીએ પોલીસને જાણ કરવામાં આવી. પ્રાથમિક તપાસમાં આ દુર્ઘટના હિટરને કારણે સર્જાઈ છે તેવું માનવામાં આવી રહ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.