હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વર્ષમાં 24 અગિયારસ આવે છે. ત્યારે કારતક મહિનામાં આવતી એકાદશીને ઉત્પન્ના એકાદશી કહેવામાં આવે છે. ઉપરાંત આ એકાદશીને વૈતરણી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતને આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રતનો મહિમા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠરને જણાવ્યો હતો.
ઉત્તર અને દક્ષિણ ભારતમાં અલગ-અલગ મહિનામાં મનાવાય છે
આ વખતે આ અગિયારસ 20 નવેમ્બરના રોજ કરવામાં આવશે. શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે કારતક વદ અગિયારસના દિવસે અગિયારસ માતા ઉત્પન્ન થયા હતા. જેથી આ અગિયારસને ઉત્પન્ના એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ભારતમાં આ એકાદશી માગષર મહિનામાં મનાવવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં આ અગિયારસ કારતક મહિનામાં ઉજવવામાં આવે છે.
આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે પૂજા
એવું માનવામાં આવે છે જે પણ આ અગિયારસના દિવસે ઉપવાસ કરે છે તેમના જીવનમાંથી તમામ કષ્ટો દૂર થઈ જાય છે. ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે એકાદશીનું જે વ્રત કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી-કૃષ્ણએ આ જ દિવસે મુરસુરા નામના રાક્ષસનો વધ કર્યો હતો. ભગવાનનો વિજય થતા આ દિવસે ઉજવણી થવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા એકાદશીની પૂજા કરવામાં આવે છે.
આ રીતે કરો ભગવાનની પૂજા
ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ દિવસે તુલસી આગળ ઘીનો દિવો કરવો જોઈએ. તુલસી માતાની આગળ દિવો કરી ઓમ્ નમો ભગવતે વાસુદેવાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ. 11 પરિક્રમા પણ કરવામાં આવશે. ઉપરાંત ભગવાન તથા માતાની વધુ કૃપા મેળવવા પીળા રંગના પુષ્પો અર્પિત કરવા જોઈએ. ભગવાનને ઋતુ પુષ્પ ચઢાવવાથી સ્વાસ્થયને સંબંધિત રોગોનો નાશ થાય છે.