ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાનો મામલો ગરમાયો છે. ષડયંત્રમાં ભારતની સંડોવણીના અમેરિકના દાવા પર ભારતે આશ્ચર્ય અને ચિંતા વ્યક્ત કરી છે. આ મુદ્દે વ્હાઇટ હાઉસના પ્રવક્તા એડ્રિયન વોટસને કહ્યું કે ભારત કહે છે કે આવી કાર્યવાહી તેની નીતિ નથી. વોટસને કહ્યું કે અમે સમજીએ છીએ કે ભારત સરકાર આ મામલે તપાસ કરી રહી છે અને તે આગામી દિવસોમાં આ અંગે વધુ કહેશે. અમે તેમને કહ્યું છે કે આ માટે જવાબદાર લોકોને બક્ષવામાં આવશે નહીં. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકાની સરકારે આ મામલો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો છે અને તેને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે.
અમેરિકાએ ભારત સાથે ઇનપુટ્સ શેર કર્યા હતા
ભારત સરકારે આ મામલે કહ્યું હતું કે તે સુરક્ષાના મુદ્દે અમેરિકા પાસેથી મળેલી માહિતીને ગંભીરતાથી લે છે, કારણ કે તે આપણી પોતાની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને પણ અસર કરે છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ બ્રિટિશ રિપોર્ટમાં કરાયેલા દાવાઓના જવાબમાં કહ્યું હતું કે ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ પર તાજેતરની ચર્ચા દરમિયાન, અમેરિકાએ સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ, આતંકવાદીઓ અને અન્ય લોકો વચ્ચેની સાંઠગાંઠ સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા હતા.
શું છે સમગ્ર મામલો?
બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે તેના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે પન્નુની હત્યા માટે અમેરિકામાં કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેને અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકની સરકારે પન્નુની હત્યાના કાવતરાનો મુદ્દો ભારત સરકાર સમક્ષ ઉઠાવ્યો હતો. આ મામલાથી વાકેફ લોકોનું કહેવું છે કે આ ષડયંત્રનું નિશાન 'શીખ ફોર જસ્ટિસ'ના ચીફ અને અમેરિકન અને કેનેડિયન નાગરિક પન્નુ, હતો. ભારત સરકારે શીખ ફોર જસ્ટિસને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
PM મોદી સમક્ષ અમેરિકાએ ઉઠાવ્યો હતો મુદ્દો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે કેનેડિયન શીખ હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકાએ તેના કેટલાક સહયોગી દેશોને પન્નુની હત્યાના ષડયંત્રની જાણકારી આપી હતી. ઉલ્લેખનિય છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલાને લગતા એક વ્યક્તિએ પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે કહ્યું કે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાદ અમેરિકાએ આ મામલો ભારત સમક્ષ ઉઠાવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતને આપવામાં આવેલી રાજદ્વારી ચેતવણી સિવાય યુએસ ફેડરલ પ્રોસિક્યુટર્સે ન્યૂયોર્ક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એક વ્યક્તિ વિરુદ્ધ ગુપ્ત કેસ દાખલ કર્યો હતો.
પન્નુએ પણ મૌન જાળવ્યું છે
પન્નુએ પણ આ મામલે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું અમેરિકન પ્રશાસને તેમને આ ષડયંત્ર વિશે ચેતવણી આપી હતી કે નહીં? તેના પર પન્નુએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે અમેરિકન સરકાર અમેરિકાની ધરતી પર મારી જાનને જોખમ હોવાના મુદ્દા પર જવાબ આપે. પન્નુએ કહ્યું કે અમેરિકના નાગરિકો અને અમેરિકની ધરતી પર ખતરો એ અમેરિકાના સાર્વભૌમત્વ સામે પડકાર છે. હું માનું છું કે બિડેન સરકાર આવા કોઈપણ પડકારને હેન્ડલ કરવામાં સક્ષમ છે.