અમેરિકામાં ભારતીય મૂળના મોટેલ માલિકો પર હુમલાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. અમેરિકાના અલાબામાના શેફિલ્ડ શહેરમાં હિલક્રેસ્ટ નામની મોટેલ ચલાવતા પ્રવીણ રાવજીભાઈ પટેલની ગયા અઠવાડિયે હત્યા કરી નાખવામાં આવી હતી. 76 વર્ષીય મોટેલ માલિક પ્રવીણભાઈ પટેલ પર 34 વર્ષના યુવક વિલિયમ જેરેમી મૂરે ગોળીબાર કર્યો હતો. પ્રવીણભાઈ પટેલ અને વિલિયમ જેરેમી મૂર વચ્ચે રૂમના ભાડા મામલે તકરાર થઈ હતી બાદમાં યુવકે તેમના પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી તેમની હત્યા કરી નાખી હતી.
હત્યારાની ધરપકડ
શેફિલ્ડ પોલીસે આ મામલે વિલિયમ જેરેમી મૂરની ધરપકડ કરી છે. શેફિલ્ડ પોલીસ ચીફ રિકી ટેરીએ જણાવ્યું હતું કે આરોપી મૂરની ઘટના બાદ તરત જ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તે 13મી એવન્યુ પર એક ત્યજી દેવાયેલા મકાનમાં સંતાવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પ્રવીણભાઈ પટેલની અલાબામાના ટસ્કમ્બિયામાં મોરિસન ફ્યુનરલ હોમ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મૃતકનો પરિવાર શોકમગ્ન
મૃતક પ્રવીણભાઈ પટેલના પરિવાર પર જાણો આભ તુટી પડ્યું છે. તેમના પરિવારમાં પત્ની રેણુકાબેન પટેલ અને બાળકો નીતલ પટેલ (સંદીપ) અને નિર્મલ પટેલ (જીનલ) છે. તેમને ત્રણ ભાઈઓ, હર્ષદ, ઈન્દ્રવદેન અને હરેન્દ્ર પટેલ, એક બહેન, મંજુ પટેલ અને પૌત્રો જયદેન, મૈયા, લીયા અને આરિયાના પટેલ પણ છે. તેમના માતા-પિતા રાવજીભાઈ અને મણીબેન પટેલ અને અન્ય એક ભાઈ હસમુખ પટેલનું અગાઉ અવસાન થયું હતું.