ઈરાન સમર્થિત યમનના હુતી બળવાખોરોએ એક જાણકારી આપી છે કે , તેમણે યુએસના નૌકા દળ પર ફરી એક વાર અટેક કર્યો છે . આપને જણાવી દયિકે , થોડા સમય પેહલા યુએસએ યમનમાં હુતી બળવાખોરોના ઘણા ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી જેમાં ઓછામાં ઓછા ૩૧ લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા હતા . આજે આપણે જોઈશું કે કોણ છે આ યમનના હુતી બળવાખોરો અને કેમ તેમનું વલણ અમેરિકા અને ઇઝરાયેલ માટે આકરું છે ? થોડા સમય પેહલા યુએસએ હુતી બળવાખોરો પર સરપ્રાઈઝ અટેક લોન્ચ કર્યો જેમાં તેમના ૩૧ લોકોના મોત થયા અને ૧૦૧ લોકો ઘાયલ થયા હતા . આ મામલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતે આખા યુએસ નેવીના ઓપેરેશન દરમ્યાન વોચ રાખી હતી .
પ્લેટફોર્મ X પર ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્વીટ કરતા લખ્યું છે કે , " આજે મેં આ હુતી બળવાખોરો પર યમનમાં અટેક કરવા માટે આદેશ આપ્યો હતો . તેમનો સમય હવે પૂરો થઈ ચુક્યો છે . તેઓ અમેરિકાની વિરુદ્ધમાં સતત લૂંટ , હિંસા અને ચાંચિયાગીરી કરી રહ્યા હતા . આ એક્શન યુએસ દ્વારા એટલે લેવામાં આવ્યા છે કેમ કે , સુએઝ કેનાલ , રાતા સમુદ્ર અને ગલ્ફ ઓફ એડનમાંથી વ્યાપારી જહાજો શાંતિથી પસાર થઈ શકે . આ મામલે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન નબળા પડ્યા હતા . " તેમણે આ ટ્વીટમાં ઈરાનને પણ ચેતવણી આપતા કહ્યું હતું કે ," તમારું હુતી બળવાખોરોને સમર્થન તરત જ અટકાવી દો . અમેરિકન લોકો , રાષ્ટ્રપતિ કે જેમને ઇતિહાસમાં સૌથી મજબૂત જનાદેશ મળ્યો છે સાથેજ વૈશ્વિક જળમાર્ગો પર કોઈ પણ રીતનું જોખમ ઉભું ના કરો . જો હજી તમે ના અટક્યા તો અમેરિકા તમને સંપૂર્ણ રીતે જવાબદાર ગણશે. "
સૌથી રસપ્રદ બાબત એ છે કે , ઈરાને આ વખતે હુતી બળવાખોરોથી છેડો ફાડી લીધો છે . સાથે જ હુતી બળવાખોરોને મદદ કરવાની વાત પણ નકારી દીધી છે . યમન પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જે પાછલા ઘણા વર્ષોથી અશાંત છે કેમ કે ત્યાંના કેટલાક ભાગો પર ઈરાન સમર્થિત શિયા બળવાખોરો હુતી સંગઠનનું રાજ છે . ૨૦૨૩નું વર્ષ તેમાં ઓક્ટોબરની ૭ તારીખ જ્યારથી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધ શરુ થયું છે તે પછી વેસ્ટ એશિયામાં અશાંતિ વધી છે . જોકે ઇઝરાયેલએ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ અને હમાસના ચીફ યાહ્યા સીનવારની હત્યા પછી ઈરાન નબળું પડ્યું છે . આ સાથે જ સીરિયામાં ડિસેમ્બર , ૨૦૨૪માં બશર અલ અસદના શાસનનો પણ અંત આવ્યો જેને ઈરાનનું ભરપૂર સમર્થન હતું . હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં એક જ એવું આતંકવાદી સંગઠન છે જેનું નામ છે હુતી બળવાખોર તેના હુમલાઓ રાતા સમુદ્રમાં યુએસ અને પશ્ચિમી દેશોના જહાજો પર ચાલુ છે . આટલુંજ નથી , હુતી બળવાખોરોએ તો છેક યમનથી ૨૦૦૦ કિમી દૂર ઇઝરાયેલ પર બેલીસ્ટીક મિસાઇલોથી હુમલો કરતા રહ્યા છે .
તો આપણે જાણીશું કે કેમ હુથી બળવાખોરોનું પશ્ચિમ એશિયામાં પ્રભુત્વ યથાવત છે .પહેલું તેમની પાસે ઈરાનનું સમર્થન છે . ઈરાન આ હુતી બળવાખોરોને તમામ હથિયાર , લોજિસ્ટિક્સ , ડ્રોન્સ આપે છે . આ પેહલી વાર નથી કે , રાતા સમુદ્રના જળમાર્ગને સુરક્ષિત કરવા યુએસએ સ્ટ્રાઇક કરવી પડી છે . આ અગાઉ ઓપરેશન પોસેઇડોન આર્ચર , જાન્યુઆરી ૨૦૨૪ , ઓપરેશન પ્રોસપરીટી ગાર્ડિઅન ડિસેમ્બર ૨૦૨૩માં લોન્ચ કરવામાં આવ્યું હતું .તેમ છતાં હુતી બળવાખોરોએ બબ- અલ- મંદાબ નામની સમુદ્રધુનીમાં હુમલાઓ ચાલુ રાખ્યા હતા . આટલુંજ નહિ હુથી બળવાખોરોએ ૨૦૧૯માં સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીના તેલના કુવાઓ પર ડ્રોનથી હુમલો કર્યો હતો . અહીં એક મહત્વની વાત એ છે કે , સાઉદી અરેબિયા અને યુએઈ હવે હુતી બળવાખોરોની વિરુદ્ધના કોઈ પણ ઓપરેશનમાં ભાગ નથી ભજવી રહ્યા . કેમ કે આ બેઉ દેશો હાલમાં પોતાના અર્થતંત્રને મજબૂત કરવામાં લાગેલા છે . તે માટે તેઓ રોકાણને આકર્ષી રહ્યા છે . માટે કોઈ પણ લશ્કરી ગતિવિધિ સાઉદી અરેબિયા અને યુએઈને મળતા રોકાણને નુકશાન કરી શકે છે . બીજી તરફ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સબંધો સામાન્ય થવા લાગ્યા છે . ૨૦૨૩માં ચાઈનાની અધ્યક્ષતામાં બેઉ દેશોએ કરારો કર્યા હતા . તેનો ખુલ્લો લાભ હવે હુતી બળવાખોરો ઉપાડી રહ્યા છે .હવે હુથી બળવાખોરો માત્ર અમેરિકા અને પશ્ચિમી દેશોને નિશાન બનાવી રહ્યા છે . તો હવે જોઈએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં સુધી હુતી બળવાખોરોને અટકાવી શકે છે .