અમેરિકા H-1B વિઝા પ્રોગ્રામમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે, જે ભારતીય પ્રોફેશનલ્સમાં ખૂબ જ લોકપ્રિય છે. બાઈડન વહીવટી તંત્રએ આ અંગે એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેનો હેતુ નોકરીવાંચ્છુઓની લાયકાતને તર્કસંગત બનાવીને કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે, F-1 વિદ્યાર્થીઓ, ઉદ્યોગસાહસિકો અને બિન-લાભકારી સંસ્થાઓ માટે કામ કરતા લોકોને વધુ સુગમતા પ્રદાન કરવાનો છે.
વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં
વિઝાની સંખ્યામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ નિયમો 23 ઓક્ટોબરે ફેડરલ રજિસ્ટરમાં સત્તાવાર રીતે પ્રકાશિત કરવામાં આવશે. સંસદ દ્વારા નિર્ધારિત આ 60,000 વિઝાની સંખ્યા બદલ્યા વિના આ નિયમોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. વર્તમાન પ્રક્રિયામાં, વ્યક્તિ જેટલી વધુ નોંધણીઓ સબમિટ કરે છે, તેટલી તેની પસંદગી થવાની શક્યતાઓ વધી જાય છે.
એક વ્યક્તિ એક જ વખત રજીસ્ટ્રેશન કરાવી શકશે
આ નવા પ્રસ્તાવ અંગે અમેરિકના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના સચિવ અલેજાન્ડ્રો એન મેયરાસે કહ્યું કે, બાઈડેન વહીવટીતંત્રની પ્રાથમિક્તા વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવી અને એમ્પ્લોયર પરનો અયોગ્ય બોજ ઘટાડવાની અને ઈમિગ્રેશન સિસ્ટમમાં છેતરપિંડી રોકવાની છે. વર્તમાન પ્રક્રિયામાં એક ઉમેદવાર અનેક વખત ઉમેદવારી નોંધાવી શકે છે. એવામાં તેની જ પસંદગી થવાની સંભાવના વધી જાય છે. હવે નવી દરખાસ્ત હેઠળ એક વ્યક્તિ એક જ ઉમેદવારી કરી શકશે, એવામાં વધુ લોકોને તક મળશે. આ સાથે જ નિષ્ણાત પદ માટે પાત્રતામાં સુધારો કરાયો છે, જેથી નિર્ણાયકો વચ્ચે પસંદગી અંગે કોઈ ભ્રમ ના રહે. જોકે, જરૂરી ડિગ્રી ક્ષેત્ર વચ્ચે સીધો સંબંધ જરૂરી છે. સાથે જ સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ માટે એચ-૧બી વિઝાની યોગ્યતાને પણ ફ્લેક્સિબલ બનાવાઈ છે. આ સિવાય ઊભરતા ઉદ્યોગ સાહસિકો માટે વિઝા પાત્રતાના નિયમોમાં પણ ફેરફાર કરાશે. રિપોર્ટ્સ મુજબ સૂચિત નિયમોમાં એચ-1બી હેઠળ મળનારી છૂટનો લાભ નોન-ઈમિગ્રન્ટ સંસ્થાઓ અથવા સરકારી સંશોધન સંગઠનોને પણ આપવા વિચારણા ચાલી રહી છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) સૂચનો પછી આ નિયમોમાં ફેરફાર કરશે.
હજુ પણ નવા નિયમોનો થશે અમલ
અમેરિકનો હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ ઈમિગ્રેશન પ્રક્રિયાઓમાં સુધારો થાય તેવા નિયમો બનાવવા અને લાગુ કરવાનું ચાલુ રાખશે. સૂચિત ફેરફારોથી પાત્રતા આવશ્યક્તાઓને સરળ બનાવાશે. આ સુધારાથી અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને લાભ થશે. ઉલ્લેખનિય છે કે એચ-1બી વિઝા મોટાભાગે ત્રણથી છ વર્ષ માટે એમ્પ્લોયર્સને વિદેશી કર્મચારીઓની ભરતી કરવા માટે ઈશ્યુ કરવામાં આવે છે, પરંતુ ગ્રીન કાર્ડ પ્રક્રિયા શરૂ કરાવી હોય તેવા એચ-1 બી ધારકો અનિશ્ચિત સમય સુધી તેમના વર્ક વિઝા રીન્યુ કરાવે છે.