ઉનાળાનો પ્રભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે . આટલા વધતા તાપમાન વચ્ચે લાઈટ જતી રહે તો કોહરામ મચી જાય . જોકે ઘણી વાર એવા સમાચાર સામે આવતા હોય છે આજે વીજકાપ છે કેમ કે , આપણા વીજળી ઘરો પાસે વીજળી પેદા કરવા કોલસો જ નથી હોતો . જોકે આ કોલસામાંથી વીજળી પેદા થવા પર પ્રદુષણ પણ થાય છે . પંરતુ જો આપણે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરીને વીજળી પેદા કરીએ તો તે પ્રદુષણ પણ નથી ફેલાતું અને સાથે જ આવા વીજકાપનો સામનો પણ ના કરવો પડે . હવે ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ ઉર્જાને લઇને ખુબ મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે પરમાણુ ઉર્જા ક્ષેત્રે એક નવી ડીલ થઇ છે. જે અંતર્ગત અમેરિકાની એક કંપની ભારત માટે નુક્લીયર રિએક્ટર બનાવી શકશે અને તેને ડિઝાઇન કરી શકશે . તો આવો જાણીએ વિસ્તારથી આમાં ભારતને શું ફાયદો થશે સાથે જ કઈ કઈ કંપનીઓનો તેમાં સમાવેશ થાય છે.
હાલમાં જ અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી (DoE) દ્વારા હોલ્ટેક ઇન્ટરનેશનલ નામની કંપનીને ભારતમાં ન્યૂક્લિયર રિએક્ટર્સ બનાવવા અને ડિઝાઇન કરવા માટે નિયામક મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી 26 માર્ચ, 2025ના રોજ જાહેર કરવામાં આવી હતી અને તે ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સહકાર કરાર એટલેકે (India-US Civil Nuclear Agreement) ને વ્યવહારિક રૂપ આપવાની દિશામાં એક મહત્વનું પગલું છે. આ કરાર, જેને "123 Agreement" તરીકે પણ ઓળખવામાં આવે છે, 2008માં થયો હતો, પરંતુ તેનો વ્યાપારિક અમલ હવે જોવા મળી રહ્યો છે. હોલ્ટેકને યુએસ એટોમિક એનર્જી એક્ટ હેઠળ મંજૂરી મળી છે, જે તેને ભારતમાં "સ્મોલ મોડ્યુલર રિએક્ટર" (SMR) ટેકનોલોજી ટ્રાન્સફર કરવાની છૂટ આપે છે. આ ટેકનોલોજીની માહિતી ભારતની ત્રણ ખાનગી કંપનીઓ - હોલ્ટેક એશિયા (હોલ્ટેકની ભારતીય પેટાકંપની), ટાટા કન્સલ્ટિંગ એન્જિનિયર્સ લિમિટેડ , અને લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ સાથે શેર કરવામાં આવશે. એટલેકે , હોલ્ટેક આ ત્રણેય કંપનીઓ સાથે મળીને સ્મોલ મોડ્યૂલ રિએક્ટરસ બનાવી શકશે. વાત કરીએ હોલ્ટેક ઇન્ટરનેશનલની , તો તેના સ્થાપક ભારતીય મૂળના ક્રિસ પી સિંહ છે. તેમના દ્વારા અમેરિકાના નુજર્સીમા ૧૯૮૬ની સાલમાં તેની સ્થાપના થઇ હતી . જોકે આ હોલ્ટેક ભારતમાં ૨૦૧૦થી કાર્યરત છે . જેની પાસે પુણેમાં એન્જિનિયરિંગ યુનિટ અને ગુજરાતના દહેજમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. થોડાક સમય પેહલા હોલ્ટેકે જણાવ્યું છે કે જો ઉત્પાદન યોજનાઓને મંજૂરી મળશે તો તે દહેજ પ્લાન્ટમાં કામદારોની સંખ્યા એક વર્ષમાં બમણી કરી શકે છે. જોકે હવે અમેરિકાના ડિપાર્ટમન્ટ ઓફ એનર્જી તરફથી મંજૂરી મળી ચુકી છે. હાલમાં આ ડિપાર્ટમન્ટ ઓફ એનેર્જીના સેક્રેટરી ક્રિસ રાઈટ છે. જેમની આ મંજુરીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ગણાય છે.
વાત કરીએ સ્મોલ મોડ્યૂલ રિએક્ટરની તો , હોલ્ટેક ઇન્ટરનેશનલ SMR-300 એક અદ્યતન પ્રકારનું પ્રેશરાઇઝ્ડ લાઇટ-વોટર રિએક્ટર બનાવે છે, જે ફિશન દ્વારા ઓછામાં ઓછી 300 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે. તે પરંપરાગત રિએક્ટર્સની તુલનામાં નાનું અને વધુ સુરક્ષિત માનવામાં આવે છે. આ રિએક્ટર્સ ઓછી જગ્યા લે છે અને તેને હાલના કોલસા આધારિત પ્લાન્ટની જગ્યાએ સ્થાપિત કરી શકાય છે, જે ભારતની સ્વચ્છ ઉર્જા યોજનાઓને સમર્થન આપે છે. આપણે જેમ પેહલા વાત કરી તેમ ગરમીમાં વીજકાપનો સામનો ના કરવો પડે . ભારત અને યુએસએ આ જે નવા કરારો કર્યા છે તેનાથી ચાઈનાને ખુબ મોટી ટક્કર આપી શકાશે . ચાઈના વિશ્વભરમાં સ્મોલ મોડ્યૂલર રિએક્ટરના SMRના ઉત્પાદનમાં આગળ વધવા માંગે છે . ચાઇના આ SMR સેકટરમાં ઇલેક્ટ્રિક વેહીકલની જેમ સમગ્ર વિશ્વને પોતાની પર નિર્ભર કરવા માંગે છે. જોકે હવે ભારત અમેરિકાના સહયોગથી ખુબ મજબૂત રીતે આ સ્પર્ધામાં ઉતરી ચકયું છે . જે ગ્લોબલ સાઉથમાં તેની ડિપ્લોમેટિક આઉટરીચમાં વધારો કરશે .
અત્યારસુધીમાં તમને સમજાયું કે , હોલ્ટેક નામની કંપની ભારત માટે સ્માલ મોડ્યૂલ રિએક્ટર બનાવશે . શેની માટે તો પરમાણુ ઉર્જા માટે . હવે આપણે સમજીએ કે પરમાણુ ઉર્જા છે શું? પરમાણુ ઉર્જા (Nuclear Energy) એ એક પ્રકારની ઉર્જા છે જે પરમાણુઓ (atoms) ના નાનામાં નાના કણોમાંથી મુક્ત થાય છે. આ ઉર્જા પરમાણુના નાભિ (nucleus) માં રહેલી શક્તિમાંથી મેળવવામાં આવે છે, જેને ન્યૂક્લિયર એનર્જી તરીકે ઓળખવામાં આવે છે. તેને મુખ્યત્વે બે પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે: ન્યૂક્લિયર ફિશન (Nuclear Fission) અને ન્યૂક્લિયર ફ્યૂઝન (Nuclear Fusion).
ન્યૂક્લિયર ફિશન આ પ્રક્રિયામાં, એક ભારે પરમાણુની નાભિ (જેમ કે યુરેનિયમ-235 કે પ્લુટોનિયમ-239) ને નાના ભાગોમાં તોડવામાં આવે છે. આ તોડવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. આ ઉર્જા ગરમીના રૂપમાં ઉત્પન્ન થાય છે, જેનો ઉપયોગ પાણીને ગરમ કરવા અને વરાળ બનાવવા માટે થાય છે. આ વરાળ ટર્બાઇન ચલાવે છે, જે વીજળી ઉત્પન્ન કરે છે. આ પદ્ધતિ હાલમાં વિશ્વભરના પરમાણુ પાવર પ્લાન્ટમાં સૌથી વધુ વપરાય છે. હોલ્ટેક કંપની આ માટે સ્મોલ મોડ્યૂલ પરમાણુ રિએક્ટર્સ બનાવવાની છે.
વાત કરીએ ન્યૂક્લિયર ફ્યૂઝનની , આ પ્રક્રિયામાં, બે હળવા પરમાણુના નાભિ (જેમ કે હાઇડ્રોજનના આઇસોટોપ્સ - ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ) એકબીજા સાથે જોડાઈને એક મોટું નાભિ બનાવે છે. આ જોડાવાની પ્રક્રિયામાં પણ વિશાળ માત્રામાં ઉર્જા મુક્ત થાય છે. સૂર્ય અને તારાઓમાં ઉર્જા ઉત્પન્ન કરવાની આ જ પ્રક્રિયા ચાલે છે. ફ્યૂઝન હજુ પ્રાયોગિક તબક્કામાં છે અને વ્યાપારિક રીતે વીજળી ઉત્પાદન માટે વપરાતું નથી, કારણ કે તેને ખૂબ ઊંચા તાપમાન અને દબાણની જરૂર પડે છે.
ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ ક્ષેત્રે આ આટલો સહયોગ એટલે સમ્ભવ બન્યો છે કેમ કે , ૨૦૦૬માં ભારત અને અમેરિકા વચ્ચે પરમાણુ કરારો થયા હતા . આ કરારો આપણા તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ ડબલ્યુ બુશના નેતૃત્વમાં થયા હતા .