ઈરાનની મહિલાઓ અત્યારે સરકારના વિરોધમાં પ્રદર્શન કરી રહી છે અને દુનિયાભરની મહિલાઓ તેમને સમર્થન આપી રહી છે. તેવામાં બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલાએ પણ તેમના સમર્થનમાં પોતાના વાળ કપાવ્યા છે. ઉર્વશીએ એક લાંબા કેપ્શન સાથે બે તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે.
ઈરાનની મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિરોધને દુનિયાભરમાં સમર્થન મળી રહ્યું છે. ભારતમાં પણ ઘણી મહિલાઓએ ખુલીને આ બાબતે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે અને તે યુવતીઓનું સમર્થન કર્યું છે. તેમાંથી એક બોલિવૂડ અભિનેત્રી અને મોડલ ઉર્વશી રૌતેલા પણ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે તે વાળ કપાવી રહી છે. ઉર્વશીએ લાંબી પોસ્ટ લખીને જણાવ્યું કે તેણે ઈરાનની મહિલાઓ, મહિલાઓના અધિકારો તેમજ અંકિતા ભંડારીની હત્યાને કારણે આ નિર્ણય લીધો હતો. ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા ઉત્તરાખંડમાં અંકિતા ભંડારીની હત્યા કરવામાં આવી હતી.
ઉલ્લેખીય છે કે ઉર્વશી અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને તે પોતાની ટ્રિપની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ દરમિયાન તેણે તસવીરો શેર કરી છે જેમાં જોઈ શકાય છે કે, તે બ્લ્યુ કૂર્તી પહરી છે અને જમીન પર બેસીને વાળ કપાવી રહી છે. બન્ને તસવીરોમાં ઉર્વશીની પીઠ જણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઈરાનમાં એક મહિના પહેલા 22 વર્ષીય યુવતીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયુ હતું. ત્યારપછી સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યા છે. મહિલાઓ રસ્તા પર ઉતરીને વિરોધમાં પોતાના વાળ કાપી રહી છે.
ઉર્વશીએ પોતાના કેપ્શનમાં લખ્યું કે, મેં મારા વાળ કપાવ્યા. ઈરાનની મહિલાઓ અને યુવતીઓ, જેમણે આ વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો, એક 19 વર્ષીય યુવતી, ઉત્તરાખંડની અંકિતા ભંડારી, આ તમામ લોકોના સમર્થનમાં મેં મારા વાળ કપાવ્યા છે. દુનિયાભરની મહિલાઓ ઈરાનની સરકારના વિરોધમાં સામે આવી રહ્યા છે. મહિલાઓને સન્માન આપો. દુનિયાભરમાં મહિલાઓની ક્રાંતિ માટેનું ચિહ્ન વાળ છે...વાળને મહિલાઓની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. જાહેરમાં વાળ કાપીને મહિલાઓ દર્શાવી રહી છે કે સમાજના કહેવાતા નિયમોની તેમને પરવા નથી. જો મહિલાઓ એકજૂટ થશે અને એક મહિલાની સમસ્યાને તમામ મહિલાઓની સમસ્યા માનશે, સમસ્યા દૂર થઈ જશે.
ઉર્વશીની આ કમેન્ટ પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. ઘણાં લોકો તેના વખાણ કરી રહ્યા છે, જ્યારે ઘણાં લોકો તેની ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, આને વાળ કાપેલા ના કહેવાય, તેં ખાલી ટ્રિમ કરાવ્યા છે. આ સિવાય અન્ય એક યુઝરે લખ્યું કે, ભારતની મહિલાઓ માટે પણ પહેલા કંઈક કરી લો. અન્ય એક યુઝરે લખ્યું કે, કેટલા વાળ કપાવ્યા? અત્યારે ઉર્વશી રૌતેલા ઓસ્ટ્રેલિયામાં છે, માટે ઘણાં લોકોએ રિષભ પંતના નામની કમેન્ટ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઉર્વશીએ આ પહેલા પણ પોતાની સરખામણી ઈરાનમાં મૃત્યુ પામેલી યુવતી માહસા અમીની સાથે કરી હતી. તેણે લખ્યુ હતું કે ઓનલાઈન ઘણાં લોકો તેને ટ્રોલ કરે છે અને કહી રહ્યા છે કે તે ક્રિકેટર ઋષભ પંતને સ્ટોક કરી રહી છે. લોકો મને સ્ટોકર કહી રહ્યા છે. મારી કોઈને પડી નથી, કોઈ મને સપોર્ટ નથી કરતું.