સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઉત્તરપ્રદેશમાં પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાસંદ રહી ચૂકેલા અતીક અહેમદને રાયબરેલી જેલમાંથી અમદાવાદની સાબરમતીની સેન્ટ્રલ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ત્યારે જેલના એક પોલીસ અધિકારીએ સુપ્રીમ કોર્ટમાં તેમજ સીબીઆઈને લેખિતમાં અરજી કરી હતી જેમાં આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે એક આઈપીએસ ઓફિસર દ્વારા અતીક અહેમદને જેલમાં મોબાઈલ સહિત અનેક વીઆઈપી જેવી ફેસિલીટિ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ઉમેશ પાલની હત્યાના એક દિવસ પહેલા એક આઈપીએસ અધિકારીએ અતીક અહેમદ સાથે જેલમાં ચીકનની પાર્ટી પણ કરી હતી. જેલમાં વીઆઈપી સગવડ આપવા અધિકારી 20 લાખનો હપ્તો લઈ રહ્યા છે તેવો ઉલ્લેખ પણ અરજીમાં કરાયો હતો.
મોબાઈલના માધ્યમથી હત્યાનું રચ્યું હતું ષડયંત્ર!
24 ફેબ્રુઆરીના રોજ બીએસપીના એમએલએ રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી દેવામાં આવી હતી. અતીક અહેમદના પુત્ર સહિત તેના સાથીઓએ ફાયરિંગ કરી હત્યા કરી નાખી હતી. આ મામલે તપાસ ચાલી રહી હતી. આ હત્યા કેસમાં યુપી પોલીસને જાણવા મળ્યું કે અતીકે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પરિવાર તેજ શાર્પશૂટર્સના સતત સંપર્કમાં રહેતો અને વીડિયો કોલની મદદથી ઉમેશ પાલની હત્યાનું ષડયંત્ર ઘડ્યું.
તપાસ કરી રહેલી ઉત્તરપ્રદેશની પોલીસ અમદાવાદ આવી
સુપ્રીમ કોર્ટના આદેશ પર અતીક અહેમદને અમદાવાદ લાવવામાં આવ્યો હતો અને 24 કલાક સીસીટીવીની નજર હેઠળ રાખવામાં આવ્યો છે. આ કેસને લઈ તપાસ કરી રહેલી ઉત્તરપ્રદેશ પોલીસ અમદાવાદ આવી પહોંચી છે. ઉત્તર પ્રદેશ પોલીસ અને ગુજરાત પોલીસની ટીમ આ અંગે તપાસ કરી રહી છે. ઉત્તરપ્રદેશના માફીયા ડોન અતીક અહેમદના કેટલાક શુટર્સ છુપાયા હોવાની માહિતી પ્રમાણે ઓપરેશન શરૂ કર્યું હતું. મળતી માહિતી અનુસાર સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદના કેટલાક સભ્યો અમદાવાદ આવ્યા અને એક એપાર્ટમેન્ટ ભાડે રાખ્યો હોવાની પણ માહિતી મળી હતી જે બાદ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.
જેલમાં અતીકે કરી હતી ચીકન પાર્ટી!
સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલો અતીક અહેમદને જેલમાં પણ વીઆઈપી સઘવડ મળતી હોવાનો દાવો એક પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. જેલમાં અતીક અહેમદને મોબાઈલ આપવામાં આવે છે ઉપરાંત લેખિત કરવામાં આવેલી રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ઉમેશ પાલની હત્યાના એક દિવસ પહેલા એક આઈપીએસ અધિકારીએ તેની સાથે ચીકનની પાર્ટી પણ કરી હતી.
કોના સહકારથી જેલમાં મળી રહી છે વીઆઈપી સગવડ?
ત્યારે જેલમાં બંધ અતીક અહેમદે કઈ રીતે હત્યાનું કાવતરુ રચ્યું ઉપરાંત મોબાઈલની મદદથી કેવી રીતે હત્યા કરવા સોપારી આપી તેવા અનેક પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે. પુરાવા અંગે કઈ સ્પષ્ટ થયું નથી પરંતુ આમાં જેલના કેટલાક અધિકારીઓની મિલીભગત હોઈ શકે છે કારણ કે તે જેલમાં બંધ અને 24 કલાક સીસીટીવી કેમેરાની નજર હેઠળ કેવી રીતે હત્યાનું ષડયંત્ર કરી શકે તે પ્રશ્ન હાલ ઉઠી રહ્યો છે. જે પોલીસકર્મીએ લેખિતમાં આ અંગે અરજી કરી છે તેણે કહ્યું કે જો મારી આ વાત પર વિશ્વાસ ન હોય તો આઈપીએસ અધિકારીનું લોકેશન કઢાવવામાં આવે. આ અરજીને કારણે પોલીસ બેવડામાં ચર્ચા ચાલી રહી છે.