રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, આજે પણ માવઠાંની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-03-05 14:26:51

રાજ્યમાં હાલ ભરઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું થતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠ, સાબરકાંઠા, અમરેલી, વલસાડ સહિત અને જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતાં ચોમાસ જેવો માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી આ જિલ્લાઓમાં વરસાદ પડતાં ખેડૂતો ચિંતિત છે.


આ જિલ્લાઓમાં માવઠું


સાબરકાંઠા


સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં કમોસમી વરસાદી છાંટાની વહેલી સવારેથી  શરૂઆત થઇ ગઇ હતી.કમોસમી વરસાદને  કારણે ઘઉં, તમાકુ જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.


બનાસકાંઠા


બનાસકાંઠાના લાખણી પંથકમાં મોડી રાત્રે ગાજવીજ સાથે  વરસાદ પડતાં  ખેડૂતો તૈયાર થયેલા પાકને બચાવવ માટે કવાયત કરતા જોવા મળ્યા હતા. અહીં કુડા,વાસણ,કોટડા સહિતના ગામોમા કમોસમી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અહીં કમોસમી વરસાદ પડતાં રાયડો, જીરૂનાં પાકને નુકશાન થવાની શક્યતા સેવાઇ રહી છે.


વલસાડ


વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અહીં મોડી રાત્રે વાપી આસપાસ ના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદી છાંટા પડ્યાં હતા. રાજ્યને અડીને આવેલ મહારાષ્ટ્રની તલાસરી બોર્ડર પર હાઇવે પર વરસાદ પડતાં અહીં વિઝિબિલિટી ઓછી થઇ જતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


જામનગર


જામનગરમાં પણ રાત્રે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગત મોડી રાતે વાતાવરણમાં પલટો આવતાં વીજળીના કડાકા ભડાકા સાથે  વરસાદ પડતાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.જામનગર ઉપરાંત જોડિયા અને કાલાવડના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ રાત્રીના વરસાદી ઝાપટાં પડતા ધરતી પુત્રો ચિંતામાં મૂકાયા છે.


ડાંગ


ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વરસાદી માહોલ રહ્યા બાદ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદી માહોલને લઈને જિલ્લાનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. મુખ્ય મથક આહવા ખાતે યોજાયેલ ડાંગ દરબારમાં જતા લોકો અટવાયા હતા. આહવા બાદ વઘઇ સહિત વઘઈના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો.વઘઇમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં અને ઠંડો પવન ફુંકાતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.


અમરેલી


અમરેલીના સરસિયા ગામે તેમજ  લીંબડી તાલુકામાં પણ વાતાવરણમાં આવ્યો પલટો જોવા મળ્યો હતો. લીંબડી તાલુકાના શિયાણી, ભલગામડા, ઘાઘરેટિયા, બોડિયા, પાંદરી, નાના ટિંબલા સહિતના ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ઝાપટા પડ્યાં હતા. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના ઘઉં, જીરા સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતિ  સેવાઇ રહી છે. ધારીમાં પવન સાથે વરસાદ પડતાં કેરીના પાકને નુકસાન થયું છે. મબલખ કાચી કેરી ખરી જતાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યાં છે.


કચ્છનાં રાપરમાં વીજળી ત્રાટકી એકનું મોત


કચ્છમાં કમોસમી વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. રાપરના તાલુકામાં ખેત મજૂર પર વીજળી પડતા મૃત્યુ નિપજ્યું હતું. રાપર તાલુકાના કારીધાર વાંઢ વિસ્તારમાં ખેતરમાં કામ કરી રહેલા 26 વર્ષીય ખેત મજૂર કિશોર રઘુભાઈ કોળી પર વીજળી પડી હતી. જેથી તેઓને સારવાર માટે રાપરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.


આજે પણ માવઠાંની આશંકા


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરના કારણે હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની શક્યતા છે. 5 માર્ચે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. 7 માર્ચ સુધી સોરાષ્ટ્ર-કચ્છ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 તારીખે સુરત, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?