રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે ઠેર-ઠેર નુકસાનીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની શાન સમાન રાજકોટ જામનગર રોડ હાઇવે પર આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. રાજ્યના અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. રાજ્યમાં 14 લોકોના મોત થયા છે તો 39 પશુઓએ પણ જીવ ગુમાવ્યો છે.. ગાજવીજ અને ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન થયું છે. ગુજરાત-સૌરાષ્ટ્રના ખેડૂતોને કપાસ, મગફળી, જીરૂ વગેરે પાકોમાં કરોડોનું નુકશાન થયો હોવાનો અંદાજ છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 212 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે. વંથલી, તાલાલા અને અંકલેશ્વરમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 36 તાલુકામાં એકથી પોણા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં માવઠાના કારણે સર્જાયેલી તબાહીની તસવીરી ઝલક અહીં રજુ કરવામાં આવી છે. જેનાથી ખબર પડશે કે આ મુસીબતના માવઠા શું પરિસ્થિતી સર્જી છે.