સમગ્ર રાજ્યમાં માવઠાના કારણે ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળે છે. આ કમોસમી વરસાદ ખેડૂતો પર તો જાણે આસમાની આફત બનીને ત્રાટક્યો છે. માવઠાંના કારણે ઘઉં, કપાસ, રાયડો ઉપરાંત કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયું છે. સુસવાટા મારતા પવન અને ઘોધમાર કમોસમી વરસાદે આંબા પર આવેલા મોરને ખેરવી નાખ્યો છે. સ્થિતી એવી સર્જાઈ છે કે આંબા પર ખીલેલા ફૂલ અને ખાખડી તૂટી પડતા મબલખ પાકની આશા ઠગારી નીવડી છે.
શું કેરી મોંઘી થશે?
સૌરાષ્ટ્રમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે, તેમાં પણ તલાલાની કેસર કેરી જગવિખ્યાત છે. જો કે વાવાઝોડા સાથે થયેલા કમોસમી વરસાદે કેરીના પાકને નષ્ટ કરી દીધો છે. કેરીના પાકનો મોર આવવાના સમયે વરસાદ પડે ત્યારે નુકસાન થવાની સંભાવના વધુ રહે છે. જેના કારણે કેરી મોંઘી થવાની ભીતિ છે. કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોએ સરકાર સર્વે કરી યોગ્ય વળતર આપે તેવી માંગ કરી છે.