ગુજરાતના વિવિધ ભાગોમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાનમાં અચાનક જ પલટો આવતા અમદાવાદના SG હાઈવે, પ્રહલાદનગર સહિતના અનેક વિસ્તારોમાં બપોર પછી વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ બે દિવસ માવઠાની આગાહી કરી છે.
રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
રાજ્યના હવામાન વિભાગે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને લઇ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાની આશંકાએ ખેતરમાં ઉભેલા પાક જેવા કે રાજગરો, રાઈડો, તથા શાકભાજીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઠંડીનું પ્રમાણ ઘટ્યું
રાજ્યના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો ઉચકાતાં અચાનક જ ઠંડીનું જોર સાવ ઘટી ગયું છે. તેમ છતાં સુસવાટા મારતો પવન પણ ફૂંકાઇ રહ્યો છે. મંગળવારથી રાજ્યમાં ગરમીની અનુભૂતી થવા લાગી છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી ઉંચકાયો છે. મંગળવારે શહેરનું તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ છે. જે રવિવારના રોજ માત્ર 14.6 ડિગ્રી નોંધાયુ હતુ. આ સાથે ડીસામાં 17.5 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી અને સુરતમાં 22.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.