રાજ્યના લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. તાપમાનનો પારો ઘટી રહ્યો છે. ત્યારે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવતા મોટા ભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. 28મે અને 29મે ના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે સિવાય આણંદ, વડોદરા, ભરૂચ, મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામશે.
આ વિસ્તારોમાં વરસી શકે છે માવઠું!
વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉનાળાના સમયમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. માવઠાને કારણે ગરમીથી આંશિક રાહત તો મળી પરંતુ આ વરસેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી. અનેક પાક નિષ્ફળ ગયા હતા. કેરીના પાકને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ત્યારે ફરી એક વખત વેસ્ટર્ન ડિસ્ટરબન્સ અને સાયક્લોનિસ સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને કારણે 28મે અને 29મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠાને કારણે ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે.
કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની કરાઈ આગાહી!
ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર તારીખ 28 મે અને 29 મેના રોજ લોકસ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે. રાજકોટ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અમરેલી, બોટાદ, વડોદરા. ભરૂચના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તે સિવાય માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે.
અંબાલાલ પટેલે પણ કરી હતી વરસાદની આગાહી!
વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી હતી. અંબાલાલ પટેલે 25મે થી 29મે સુધીમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી હતી. તે સિવાય ભારે પવન ફૂંકાવાની જાહેરાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યત્વે ભાગોમાં વરસાદી માહોલ જામશે.