રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ઉનાળામાં આવેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે ફરી એક વખત માવઠાને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલે ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વરસાદ વચ્ચે અનેક શહેરોના તાપમાન 38થી 40 ડિગ્રીની આસપાસ નોંધાશે.
આ વિસ્તારો માટે કરાઈ છે વરસાદની આગાહી
ઉનાળાની સિઝનમાં આ વખતે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આવી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. થોડા દિવસોથી માવઠાને લઈ આગાહી કરવામાં આવી ન હતી ત્યારે ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારોમાં 11 અને 12 એપ્રિલના રોજ કમોસમી વરસાદ વરસી શકે છે. 11 એપ્રિલે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 12 એપ્રિલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વરસી શકે છે.
સરકાર ખેડૂતોને જલ્દી સહાય ચૂકવે તેવી ખેડૂતોને આશા
એક તરફ જ્યાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમીને લઈને પણ આગાહી કરવામાં આવી છે. આવનાર દિવસોમાં તાપમાનનો પારો વધી શકે છે. જેમ શિયાળાની ઠંડીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડ્યા હતા તેમ આ વખતની ગરમી પણ અનેક વર્ષોના રેકોર્ડ તોડી શકે છે. ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કુદરત આગળ ખેડૂત લાચાર બન્યો છે. ત્યારે સરકાર માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે જલદી કરાવે અને ખેડૂતોને સહાય જલદી ચૂકવાય તેવી ખેડૂતો સરકાર પાસેથી આશા રાખી રહ્યા છે.