ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો અહેસાસ થવાનો શરૂ થઈ ગયો છે. અનેક જગ્યાઓનું તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. દેશના અનેક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે જેને કારણે ગુજરાતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી જેને કારણે વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું લાગી રહ્યું હતું પરંતુ હવામાન વિભાગે કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. ગુજરાતના અનેક ભાગોમાં છુટો છવાયો વરસાદ થઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ જગ્યાઓ પર આવી શકે છે મુસીબતનું માવઠું
છેલ્લા થોડા દિવસોથી ગુલાબી ઠંડીનો નહીં પરંતુ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઠંડા પવનના સુસવાટા વહી રહ્યા છે. વહેલી સવારે તેમજ રાત્રે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવું અનુમાન હતું પરંતુ આવનાર દિવસોમાં કમોસમી વરસાદ આવી શકે છે રાજ્યના અનેક વિસ્તારોમાં તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 જાન્યુઆરીએ જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ સહિતના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. તો 9 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, અરવલ્લી, રાજકોટ, અમરેલી સહિતના વિસ્તારોમાં માવઠું આવી શકે છે.
જગતના તાતનું વધ્યું ટેન્શન
ડિસેમ્બરના શરૂઆતમાં જ કમોસમી વરસાદને કારણે જગતનો તાત ચિંતિત બન્યો હતો. પાક બળી ગયા હતા, ખેતરમાં પાણી ભરાઈ ગયા હતા જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. વરસાદ જોઈએ ત્યારે સમયસર આવતો નથી અને કમોસમી વરસાદથી ખેડૂતોનું ટેન્શન વધ્યું છે. ત્યારે વરસાદને લઈ કરવામાં આવેલી આગાહી સાચી પડે છે કે નહીં તે જોવું રહ્યું