ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વિનાસ વેરનારા ભીષણ વાવાઝોડું બિપોરજોય રાજસ્થાન તરફ આગળ વધી ગયું છે. જો કે આ દરમિયાન અમેરિકામાં પ્રકાશિત થયેલો રસપ્રદ સ્ટડી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના નેશનલ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ કરેલા આ સંસોધનમાં અમેરિકામાં (1950-2012) દરમિયાન ત્રાટકેલા 10 જેટલા વાવાઝોડાનો સ્ટડી કરવામાં આવ્યો હતો. આ સ્ટડીના અંતે જાણવા મળ્યું કે નારીવાચક વાવાઝોડાઓ વધુ ખતરનાક અને જીવલેણ સાબિત થયા હતા.
60 વર્ષમાં આવેલા ચક્રવાતનો સ્ટડી
અમેરિકાની નેશનલ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા 2014માં ચક્રવાતના પુરુષ અને સ્ત્રી આધારિત નામો અંગે એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા 60 વર્ષમાં આવેલા ચક્રવાતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્ટડીના સંશોધકો દ્વારા કરાયેલા એક સંસોધનમાં, સહભાગીઓએ 10 વાવાઝોડાનો અભ્યાસ કર્યો હતો જેમાં પાંચ સ્ત્રી નામો સાથે અને પાંચ પુરુષ નામો ધરાવતા ચક્રવાત હતા. તેમાં એવું બહાર આવ્યું છે કે અમેરિકામાં, પુરુષોના નામ પર આવેલા ચક્રવાતને કારણે સરેરાશ 15.15 મૃત્યુ થયા હતા, જ્યારે સ્ત્રીઓના નામ પર આવેલા ચક્રવાતને કારણે સરેરાશ 41.84 મૃત્યુ થયા હતા. આ સંશોધન અમેરિકાની નેશનલ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
આ વાવાઝોડા ખતરનાક સાબિત થયા
હરિકેન કેટરિના: 2005માં લ્યુસિયાનામાં ત્રાટકનાર કેટરીના કેટેગરી 5નું હરિકેન હતું. આ ચક્રવાતી તોફાનમાં 1800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને અબજો ડોલરનું નુકસાન થયું.
હરિકેન સેન્ડી: 2012 માં, હરિકેન સેન્ડીએ ન્યુ જર્સીમાં તબાહી મચાવી હતી, તે શ્રેણી 2 નું તોફાન હતું. આ દરમિયાન લગભગ 125 લોકોના મોત થયા હતા અને અબજો ડોલરનું નુકસાન થયું હતું.
ચક્રવાત નરગીસ: તે કેટેગરી 4નું તોફાન હતું જે 2008માં આવ્યું હતું. આમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયાની પુષ્ટિ થઈ હતી, આ સિવાય હજારો લોકો તેમના સ્થાનેથી વિસ્થાપિત થયા હતા.
શા માટે Feminine-named hurricanes વધુ ભયાનક?
મહિલાઓ સામે પૂર્વગ્રહો સર્વત્ર અસ્તિત્વ ધરાવે છે, પછી ભલે તે વાવાઝોડાઓના નામકરણની વાત પણ કેમ ન હોય. એક સ્ટડીમાં દાવો કરવામાં આવ્યો છે કે નારીવાચક નામ ધરાવતા ચક્રવાત વધુ ઘાતક સાબિત થયા છે. સંશોધકોની એક ટીમે પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં લખ્યું હતું કે "સ્ત્રી-નામવાળા વાવાઝોડાની તુલનામાં (વિ. પુરૂષવાચી-નામવાળા વાવાઝોડા) નોંધપાત્ર રીતે વધુ મૃત્યુનું કારણ બને છે, દેખીતી રીતે જ તેનું મુખ્ય કારણ એ છે કે તેનું ઓછું આંકવામાં આવતું જોખમ અને પરિણામે તેને લઈ ઓછી તૈયારીઓ છે".
સ્ટડીના લેખકે શું કહ્યું?
આ સ્ટડીના સહ-લેખક અને અર્બના-કેમ્પેઈન ખાતે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના માર્કેટિંગના પ્રોફેસર, શેરોન શવિટ્ટે એક નિવેદનમાં જણાવ્યું કે "તોફાનની તીવ્રતાનું મૂલ્યાંકન કરતી વખતે, પુરુષો અને સ્ત્રીઓ કેવી રીતે વર્તે છે તે વિશે લોકો તેમની માન્યતાઓને લાગુ કરતા જોવા મળે છે," તેમણે વધુમાં જણાવ્યું કે "આનાથી સ્ત્રી-નામવાળું વાવાઝોડું, ખાસ કરીને બેલે અથવા સિન્ડી સ્ત્રીના નામ ધરાવતું વાવાઝોડું નમ્ર અને ઓછું હિંસક લાગતું હતું પણ તેનાથી વિપરીત થયું હતું" હરિકેન કેટરિના, હરિકેન સેન્ડી, ચક્રવાત નરગીસ આ બાબતના ઉદાહરણો છે. વાવાઝોડાનું નામ સ્ત્રી હોય કે પુરુષ, તમામ ચેતવણીઓને ગંભીરતાથી લઈને તૈયારીઓ કરવી જોઈએ, જેથી મોટી જાનહાનિ ટાળી શકાય.