ગુજરાતમાં યુજી (UG) અથવા પીજી (PG) કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓ હવે સરળતાથી એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં જઈ શકશે. રાજ્યની નવ યુનિવર્સિટીઓ આ વર્ષે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરવાની તૈયારી શરુ કરી છે, જેથી વિદ્યાર્થીઓ વિષયો અને અભ્યાસક્રમના ક્રેડિટ સ્કોરની સમસ્યા વિના ચાલુ અભ્યાસક્રમ દરમિયાન અન્ય યુનિવર્સિટીમાં ટ્રાન્સફર લઇ શકશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં એબીસી એક વર્ચ્યુઅલ સ્ટોરહાઉસ છે જે તમામ વિદ્યાર્થીઓએ મેળવેલી ક્રેડિટનો રેકોર્ડ રાખે છે. રિપોઝિટરીમાં જમા થયેલી ક્રેડિટ સાત વર્ષ સુધી માન્ય રહેશે. સૂત્રોનું માનીએ તો તમામ વિદ્યાર્થીઓ માટે એબીસીના અમલીકરણ અંગે સર્વસંમતિ સધાઈ છે અને કોમન ક્રેડિટ્સ તૈયાર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.
આ 9 યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓને થશે લાભ
અધિકારીઓએ જણાવ્યું હતું કે જે નવ યુનિવર્સિટીઓ એબીસી લાગુ કરવાની તૈયારી કરી રહી છે તેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), ગુજરાત યુનિવર્સિટી (GU), મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU), સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (SU), શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (SSSU), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી (SGGU) અને સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)નો સમાવેશ થાય છે.
આગામી વર્ષથી થશે અમલ
જાણકાર સુત્રોનાં જણાવ્યા મુજબ થોડા મહિના પહેલા યુનિવર્સિટીઓને કોમન ક્રેડિટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટીને યુજી, પીજી સાયન્સના અભ્યાસક્રમ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કોમર્સ, સાઉથ ગુજરાત યુનિવર્સિટીને આર્ટસ અને સરદાર પટેલ યુનિવર્સિટીને અન્ય યુનિવર્સિટી સાથે મળીને મેનેજમેન્ટ કોર્સ ક્રેડિટ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. મોટાભાગની યુનિવર્સિટીઓ દ્વારા કામગીરી પુરી કરી દેવાઇ હોવાથી કુલપતિઓ આગામી વર્ષથી તેનો અમલ કરવા સંમત થયા છે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી વિદેશી યુનિવર્સિટીઓમાં જતા વિદ્યાર્થીઓની ક્રેડિટનું મેપિંગ કરી રહી છે અને દર વર્ષે કેટલાક વિદ્યાર્થીઓને મુશ્કેલી વિના અન્ય યુનિવર્સિટીઓમાં ટ્રાન્સફર આપી રહી છે. જો કે એબીસીનો અમલ એ યોગ્ય દિશામાં એક પગલું છે કારણ કે તે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની મધ્યમાં અથવા તેને પૂર્ણ કરતા પહેલા યુનિવર્સિટી બદલવાની તક આપશે એટલું જ નહીં. એબીસીના અમલીકરણ અંગે સર્વસંમતિ સધાઈ હોવાથી અમે આ પ્રક્રિયા વધુ આગળ વધે તેની રાહ જોઈ રહ્યા છીએ.
ટેકનોલોજીકલ યુનિવર્સિટીઓ પણ એબીસીનો કરશે અમલ
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન હેઠળની રાજ્યની યુનિવર્સિટીઓ ઉપરાંત ઓલ ઇન્ડિયા કમિટી ફોર ટેકનિકલ એજ્યુકેશન (એઆઇસીટીઇ) હેઠળની ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) જેવી યુનિવર્સિટીઓએ પણ એબીસીમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના વીસી નવીન શેઠે જણાવ્યું હતું કે, બેઠકમાં મેં એબીસીનાં અમલમાં પડનારી વ્યવહારિક મુશ્કેલીઓ પર પ્રકાશ પાડ્યો હતો. ઉદાહરણ તરીકે, ક્રેડિટ્સ પેપર વાઇઝ મેળવવામાં આવે છે અને કેટલીકવાર વિષયો માટે ક્રેડિટ્સ આપાવમાં આવે છે. તેથી કેપ્સ્યુલ ક્રેડિટ સિસ્ટમ હોવી જરૂરી છે જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસક્રમનો એક ભાગ અન્ય કરતા અલગ હોય તેવા કિસ્સામાં ઓનલાઇન અભ્યાસક્રમો લેવાની મંજૂરી આપવામાં આવે છે. અમે એક સેમેસ્ટર કે તેથી વધુ સમય માટે વિદેશ જતા 300-400 વિદ્યાર્થીઓ માટે ક્રેડિટ અને સબ્જેક્ટ મેપિંગ ટ્રાન્સફર કરી રહ્યા છીએ.રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી તેનો અમલ થાય તેવી શકયતા છે.