થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલાને અકસ્માત નડ્યો હતો. વિજય રૂપાણીના કાફલા સાથે રહેતી પોલીસની ગાડીએ અકસ્માત સર્જ્યો હતો. એ અકસ્માતમાં એક દાદાને ઈજા પહોંચી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલને મંગળવારે અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ થયો હતો પરંતુ આ અકસ્માતમાં બાઈક સવારનું મોત થઈ ગયું છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ત્રણ લોકો આ અકસ્માતને કારણે ઘાયલ થયા છે.
પ્રચાર માટે જઈ રહ્યા હતા કેન્દ્રીયમંત્રી
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. મિઝોરમ અને છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બાકી રહેલા રાજ્યો માટે ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજકીય પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. ત્યારે મધ્યપ્રદેશનમાં પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી અનુસાર મંત્રીનો કાફલો છિંદવાડાથી નરસિંહપુર તરફ જઈ રહ્યો હતો તે વખતે બાઈક સાથે ટક્કર થઈ ગઈ. ઘટના સર્જાતા મંત્રીનું વાહન રોડ પરથી નીચે ઉતરી ગયું. એવી માહિતી પણ સામે આવી છે કે વાહનચાલકને બચાવવા જતા આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર બાઈક રોંગ સાઈડ પર આવી રહી હતી.
બાઈક સવારનું થયું મોત
મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યકિતનું મોત થયું છે તેમનું નામ નિરંજન ચંદ્રવંશી છે. તે ટિચર છે અને તે ભૂરા મોહગાંવના રહેવાસી છે. જે વખતે અકસ્માત સર્જાયો ત્યારે બાઈક પર તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. તે બાળકોને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા. આ ઘટનામાં બાળકોને ઈજાઓ પહોંચી છે અને હોસ્પિટલ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.