વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપે પોતાના પ્રચાર માટે અલગ અલગ વિધાનસભા ક્ષેત્રોમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. વિધાનસભા ક્ષેત્રમાં ફરી આ યાત્રામાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રીઓ આ યાત્રામાં હાજરી આપી રહ્યા છે. દ્વારકાથી નીકળેલી આ યાત્રા ધાંગધ્રાના ચરમિયા ગ્રાઉન્ડ ખાતે પહોંચી હતી. જ્યાં અનુરાગ ઠાકુરે અને પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ પર આડકતરી રીતે કર્યા પ્રહાર
આમ આદમી પાર્ટી પર હુમલા કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે ઈટાલિયનોને જવાબ આપી દીધો છે, હવે ઈટાલિયાને પણ જવાબ આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સો વર્ષીય માતાને રાજકારણમાં ખેંચવાનું કામ પણ આમ આદમી પાર્ટીના નેતાએ કર્યું છે. આવા લોકોને ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે.
દિલ્હીના મુખ્યમંત્રી ગેરંટી વહેંચી રહ્યા છે - અનુરાગ ઠાકુર
અરવિંદ કેજરીવાલ પર પણ તેમણે ટિપ્પણી કરી હતી. કેજરીવાલ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાતમાં ગેરંટી વહેંચી રહ્યા છે, પરંતુ તેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર, ગોવાએ તેમને નકારી કાઠ્યા છે, જેને ગુજરાતની જનતા પણ સ્વીકારશે નહીં.
આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે - અનુરાગ
પોતાની પાર્ટીના વખાણ કરતા તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીઓના દિલમાં નિવાસ કરી રહ્યા છે. તેમણે વિકાસ જોયો છે. ડબલ એન્જિનની સરકાર જોઈ છે એટલે આ ચૂંટણીમાં પણ જનતા ભાજપને જીત અપાવશે.