ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસો પણ વધી ગયા છે. ભાજપ તેમજ આમ આદમી પાર્ટી આ વખતે ચૂંટણી પ્રચાર કરવામાં કોઈ કચાસ રાખવા નથી માગતી. જેને કારણે એક બાદ એક વરિષ્ઠ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન મોદી પોતે અવાર નવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહ ફરી એક વખત 6 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
6 દિવસના પ્રવાસ માટે ગુજરાત આવશે અમિત શાહ
દિલ્હી ખાતે અમિત શાહ રહે છે પરંતુ તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. અમિત શાહ દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે ઉજવશે. પોતાના પ્રવાસ દરમિયાન વલસાડ, બનાસકાંઠા તેમજ સોમનાથની મુલાકાત લેવાના છે. આજે રાતે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 22 તારીખે વલસાડની મુલાકાત લેવાના છે, 23 તારીખે વડોદરા, 24 તારીખે બનાસકાંઠામાં ભાજપનો પ્રચાર કરવાના છે. પોતાના પ્રવાસના અંતિમ દિવસે તેઓ સોમનાથ દાદાના દર્શને જવાના છે.
પ્રચારની કેટલી થશે મતદારો પર અસર
ગુજરાતમાં ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. ત્યારે મતદારોને રિઝવવાનો પ્રયાસ દરેક પાર્ટી કરી રહી છે. પોતાના દિગ્ગજ નેતાઓને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ચૂંટણી નજીક આવતા પ્રચારની કમાન દિગ્ગજ નેતાઓએ સંભાળી લીધી છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતા પ્રચારની અસર ચૂંટણી પરિણામ પર કેટલી પડશે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે.