કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. પ્રતિદિન એવા સમાચાર સામે આવે છે જેમાં એક નહીં પરંતુ અનેક યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ સરકારની ચિંતા વધારી છે. ગુજરાતમાં તો અનેક યુવાનોના મોત હાર્ટ એટેક આવવાને કારણે થયા છે. અનેક લોકો એવું કહેતા હોય છે કે કોરોના વેક્સિનને કારણે યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વધતા હાર્ટ એટેક અંગે પ્રતિક્રિયા આપી છે.
હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે
યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે ન માત્ર રાજ્ય સરકારની પરંતુ કેન્દ્ર સરકારની ચિંતા પણ વધી છે. કોરોના બાદ યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. અનેક યુવાનોનો ભોગ હાર્ટ એટેકે લીધો છે. ગુજરાતમાં પણ પ્રતિદિન એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં યુવાનો તો ઠીક પરંતુ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે. કોઈ ગરબા કરતા કરતા તો કોઈ યોગા કરતા કરતા મોતને ભેટી રહ્યા છે. નવરાત્રી દરમિયાન 36 જેટલા લોકોના મોત આને કારણે થયા છે. નવરાત્રી પહેલા અને નવરાત્રી પછી પણ અનેક લોકો મૃત્યુ પામ્યા છે કારણ કે તેમના હૃદયના ધબકારા બંધ પડી ગયા. યુવાનોમાં વધતા હાર્ટ એટેકને કારણે રાજ્ય સરકારે નિષ્ણાત ડોક્ટરોની કમિટી બનાવી છે જે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પર સ્ટડી કરશે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું એનાલિસીસ કરશે..
વધતા હાર્ટ એટેકને લઈ મનસુખ માંડવિયાએ આપ્યું નિવેદન
આ બધા વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મહત્વનું નિવેદન હાર્ટ એટેકને લઈ આપ્યું છે. એક કાર્યક્રમ માટે ભાવનગર તેઓ પહોંચ્યા હતા અને તે વખતે જ્યારે તેમને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આઈસીએમઆરએ હમણા એક ડિટેલ્ટ સ્ટડી કર્યો છે, એ સ્ટડીમાં સામે આવ્યું છે કે જેમને સિવિયર કોવિડ થયો હતો અને તેને વધારે સમય ન થયો હોય, આવી સ્થિતિની અંદર આવા લોકોએ વધારે પરિશ્રમ ન કરવો જોઈએ. તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં તેમણે કહ્યું કે કોવિડમાંથી બહાર આવેલા લોકોએ સખત મહેનત અને કસરતથી પણ એક ચોક્કસ સમય સુધી એટલે કે એક કે બે વર્ષ સુધી દૂર રહેવું જોઈએ. જેથી હાર્ટ એટેતની ઘટનાથી બચી શકાય.
સુરતમાં જ આજે ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા
મહત્વનું છે કે હાર્ટ એટેકના એટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે કે વ્યક્તિની અંતિમ ક્ષણ કઈ હશે તે જાણવું મુશ્કેલ છે. આપણી સામે સાજો ઉભેલો વ્યક્તિ ક્યારે મોતને ભેટે છે તેની ખબર નથી પડતી. કોઈ કિસ્સાઓ એવા પણ હોય છે જેમાં ઉંઘતા ઉંઘતા લોકોના મોત થઈ રહ્યા છે. આજે પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં એકલા સુરતમાં જ ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે.