સંસદમાં બજેટ રજૂ થવાનું છે. આજથી બજેટ સત્રનો પ્રારંભ થવાનો છે. બજેટ સત્ર પહેલા બંને સંસદની સંયુક્ત બેઠક થવાની છે જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સંબોધન કરવાના છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરવાના છે. આ આર્થિક સર્વે દેશના અર્થતંત્રની સ્થિતિ દર્શાવે છે. આ સર્વે પરથી નિષ્ણાંતો સામાન્ય બજેટની જોગવાઈ અંગે અંદાજ લગાવે છે. મળતી માહિતી અનુસાર આમ આદમી પાર્ટી અને ચંદ્રશેખર રાવની પાર્ટી ભારત રાષ્ટ્ર સમિતિ રાષ્ટ્રપતિના ભાષણનો બહિષ્કાર કરવાના છે.
નિર્મલા સીતારમણ આર્થિક સર્વે કરશે રજૂ
સંસદના સેંટ્રલ હોલ ખાતે રાષ્ટ્રપતિ અભિભાષણ કરવાના છે. તેમના ભાષણ બાદ સંસદની કાર્યવાહીનો પ્રારંભ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ એટલે કે ઈકોનોમિક સર્વે રજૂ કરવાના છે. આવતી કાલે એટલે કે પહેલી ફ્રેબુઆરીના રોજ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું અંતિમ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં સરકાર અનેક મહત્વપૂર્ણ ઘોષણા કરી શકે છે.
સત્રમાં અનેક બિલ થઈ શકે છે પાસ
આ વર્ષનું બજેટ મહત્વનું માનવામાં આવે છે કારણ કે આ વર્ષ દરમિયાન અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. સંસદના પહેલા ભાગમાં 13 ફેબ્રુઆરી સુધી સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના સંબોધન અને સામાન્ય બજેટ પર ચર્ચા થશે. પ્રથમ ભાગમાં સંસદના બંને ગૃહોમાં કોઈ બિલ રજૂ કરવામાં નહીં આવે. 13 માર્ચથી 6 એપ્રિલ સુધીના બીજા ભાગ દરમિયાન કાયકાદીય કામકાજનો નિકાલ કરવામાં આવશે. 31 જાન્યુઆરીથી શરૂ થનારુ આ બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલવાનું છે અને જેમાં 27 જેટલી બેઠકો થવાની છે. આ સત્રમાં સરકાર અંદાજીત 36 બિલ લાવી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.