ગતિશીલ ગુજરાતમાં બેરોજગારીની સમસ્યા ચિંતાનો વિષય બની છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોને તેમને લાયક નોકરીઓ ન મળતા તેઓ ઘોર નિરાશાનો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકારે વિધાનસભામાં આપેલા બેરોજગારાના આંકડા ખરેખર ચોંકાવી દે તેવા છે.
2,70,922 શિક્ષિત બેરોજગાર
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર મંત્રીએ બેરોજકારો અંગે વિગતો આપી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે રાજ્યના 31 જિલ્લાઓમાં 2,70,922 શિક્ષિત બેરોજગાર, 12,219 અર્ધ શિક્ષિત બેરોજગાર મળીને કુલ 2,83,140 બેરોજગાર નોંધાયેલા છે. તેની સામે સરકારે 4,70,444 બેરોજગારોને ખાનગીમાં રોજગારી પૂરી પાડી હોવાના દાવાઓ કરે છે. જો કે પરંતુ સરકારી રોજગાર કચેરી દ્વારા સરકારી નોકરી કેટલા બેરોજગારને પૂરી પાડવામાં આવી તેની માહિતી ઉપલબ્ધ નથી.
જુનાગઢ અને પોરબંદરમાં કેટલા બેકારો?
વિધાનસભા ગૃહમાં જુનાગઢ અને પોરબંદરમાં શિક્ષિત અને અર્ધશિક્ષિત બેરોજગાર કેટલા છે તે અંગે પણ એક સવાલ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતા સરકારે જણાવ્યું કે, જુનાગઢ જિલ્લામાં કુલ 10323 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત બેરોજગાર કુલ 9866 છે અને અર્ધ શિક્ષિત 457 બેરોજગાર જોવા મળ્યા છે. જ્યારે પોરબંદરમાં કુલ 4644 બેરોજગાર નોંધાયા છે, જેમાં શિક્ષિત 4469 બેરોજગાર અને અર્ધ શિક્ષિત કુલ 175 બેરોજગાર જોવા મળ્યા છે. જો કે છેલ્લા બે વર્ષમાં જુનાગઢ જિલ્લામાં કુલ 10323 માંથી 4573 લોકોને રોજગારી આપવામાં આવી છે, જ્યારે પોરબંદર જિલ્લામાં 4644 માંથી 4053 બેરોજગાર ને રોજગારી આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં રોજગાર વિનિયમ કચેરી હેઠળ ખાનગી રોજગારી મળી છે, જેમાં જુનાગઢમાં 4573 અને પોરબંદરમાં 4051 બેરોજગારને રોજગારી આપી છે.