લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવાની છે. ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે કે બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સમગ્ર કાર્યક્રમનું એલાન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન યોજાય તેવી સંભાવનાઓ છે. 26 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામની અને આમ આદમી પાર્ટીએ 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે આજે સમજીએ બનાસકાંઠા લોકસભા સીટોના જાતીગત સમીકરણો અને સમજીએ ત્યાંની રાજનીતિ...
કઈ પાર્ટીએ કોને બનાવ્યા ઉમેદવાર?
વાત કરીએ બનાસકાંઠા લોકસભા બેઠકની જ્યાં કોંગ્રેસ તેમજ ભાજપે મહિલા ઉમેદવારને ટિકીટ આપી છે. ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવારી નોંધાવાના છે. ગેનીબેને આ વખતે ચૂંટણીમાં theme રાખી છે બનાસ માંગે મજબૂત બેન , બનાસ માંગે ગેનીબેન .તેઓ વાવના ધારાસભ્ય છે, જ્યારે રેખાબેન ચૌધરી કે જેઓ બનાસ ડેરીના સ્થાપક ગલબાભાઈ પટેલના પૌત્રી છે .
શું છે બનાસકાંઠાના જાતિગત સમીકરણો?
જો ત્યાંના જાતિગત સમીકરણની વાત કરીએ તો આ બેઠક પર ૩.૫ લાખ જેટલા ઠાકોરો છે, ૨ લાખ ચૌધરી સમુદાયના લોકો છે. જ્યારે ૬૨૦૦૦ રબારી સમુદાયના લોકો છે. આ લોકસભામાં ૭ વિધાનસભાઓ આવે છે જેમાં વાવ, થરાદ, ધાનેરા,દાંતા, પાલનપુર, ડીસા અને દિઓદરનો સમાવેશ થાય છે. 2૦22માં માત્ર વાવ અને દાંતા બેઠકો જ કોંગ્રેસ જીતી શકી હતી જ્યારે ધાનેરા પર અપક્ષ ઉમેદવાર જીતી ગયા હતા. બાકીની બધી જ બેઠકો ભાજપ જોડે છે .