ગીર સોમનાથના ઉનામાં બે જૂથો વચ્ચે પથ્થરમારાની ઘટના બાદ શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી છે. શહેરના કુંભારવાડા, કોર્ટ વિસ્તાર, ભોયવાડા અને કોળી વાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરીને તંગદિલી સર્જવાનો પ્રયાસ કર્યો હતો. ઉના પોલીસે કોમ્બિંગ હાથ ધરી સ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે. પથ્થરમારામાં સામેલ 70થી વધુ લોકોની પોલીસે અટકાયત કરી છે. પોલીસે કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ FIR દાખલ કરી છે.
શહેરની શાંતિ શા માટે ડહોળાઈ?
રામનવમીના દિવસે ઉનાના ત્રિકોણ બાગ નજીક રાવણાવાડીમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાજલ હિન્દુસ્તાનીના ભાષણ બાદ ગઈકાલે 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાયું હતું. જે બાદ શહેરભરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હિન્દુ નેતા કાજલ હિન્દુસ્તાનીએ જાહેર મંચ પરથી ઉશ્કેરણીજનક ભાષણ દરમિયાન લવ જેહાદ તેમજ લેન્ડ જેહાદ સહિતના મુદ્દે ચોક્કસ સમુદાય પર નિશાન સાધ્યું હતું, અને લોકોને લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહ્વાન કર્યું હતું. ઉના પોલીસે રામનવમીના સંચાલક અને કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની ખાતરી આપતા સમગ્ર વિવાદ થાળે પડ્યો હતો.