આપણે ત્યાં દીકરીને માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે, સ્ત્રીને શક્તિનો અંશ માનવામાં આવે છે. અનેક લોકો દીકરીઓની પૂજા કરે છે પરંતુ હવે તો નાની દીકરીઓ હવસનો ભોગ બની રહી છે. ત્યારે મધ્યપ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે જે સાંભળીને રૂંવાડા ઉભા કરી દેશે. 12 વર્ષની દીકરી લોહીલુહાણ અવસ્થામાં મળી આવી હતી. સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પોલીસને આ અંગેની જાણ થતાં સગીરાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યારે એવી માહિતી સામે આવી રહી છે કે સગીરાની હાલત નાજુક છે. જીવન અને મોત વચ્ચે સગીરા ઝઝુમી રહી છે.
અનેક કિસ્સાઓમાં પિતા જ બનતા હોય છે હેવાન
દેશમાં દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સ્ત્રીઓ હવસનો શિકાર બની રહી છે. નાની નાની દીકરીઓ પણ દુષ્કર્મનો ભોગ બની રહી છે. અનેક ઘટનાઓ તો એવી હોય છે જેને સાંભળીને આપણને થાય કે આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે. નાની માસુમ બાળકીઓ અનેક વખત પોતાના પિતાના જ હવસનો શિકાર બનતી હોય છે. આવા અનેક કિસ્સાઓ આપણી સામે છે જે પિતા પુત્રીના સંબંધને લજવે છે. જે પિતાની હાજરીથી પુત્રી સુરક્ષિત મહેસુસ કરતી હોય છે તે જ પિતાથી તેને ડર લાગવા લાગે છે.
12 વર્ષની દીકરી પર આચરવામાં આવ્યો રેપ
ત્યારે ઉજ્જેનમાં 12 વર્ષીય બાળકી રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવી હતી. 12 વર્ષની બાળકી પર રેપ થયા હોવાનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડનગર રોડ પર દાંડીઆશ્રમ નજીક બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. બાળકીની હાલત નાજુક છે, તેના કપડા ખૂનથી લતપત હતા. અર્ધ વસ્ત્રોમાં બાળકી અનેક કલાકો સુધી ભટકતી રહી. ઘાયલ થયેલી હાલતમાં બાળકી આઠ કલાક સુધી ભટકતી રહી. બાળકી એક જ વાત કહી રહી હતી કે તેની મા સાથે પણ ખોટું થયું છે.
ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ પોલીસે કરી કાર્યવાહી
બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. સારવાર અર્થે બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઉજ્જેનના એસપીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બાળકી કદાચ પ્રયાગરાજની રહેવાસી છે. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. આ મામલે સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. આ મામલે મળતી માહિતી અનુસાર અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. ઓટો ડ્રાઈવર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
જીવન અને મરણ વચ્ચે શ્વાસ લઈ રહી છે સગીરા
તપાસ દરમિયાન પોલીસને જાણ થઈ કે બાળકી રિક્ષામાં બેઠી હતી. જીવનખીરી વિસ્તારમાં બાળકી રિક્ષામાં બેસે છે તે જાણકારી સીસીટીવીના આધારે પોલીસને મળી છે. આરોપી રિક્ષા ડ્રાઈવરની રિક્ષામાં લોહીના ડાઘા પણ દેખાય છે. તે ઉપરાંત ત્રણ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હોસ્પિટલ બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યાં તેની પર રેપ થયો હોય તેની પુષ્ટિ થઈ ગઈ છે. બાળકીની હાલત ગંભીર છે.
કોંગ્રેસે મધ્યપ્રદેશ સરકાર પર કર્યા પ્રહાર
આ ઘટના સામે આવ્યા બાદ અનેક રાજનેતાઓએ, રાજકીય પાર્ટીઓએ ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે. મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્ય ગણાવી છે. કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. ભાજપની સરકાર પર કોંગ્રેસે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે ટ્વિટ કર્યું કે મહિલાઓ તેમજ નાની ઉંમરની દીકરીઓ વિરૂદ્ધ દુષ્કર્મની સંખ્યામાં સતત વધારો મધ્યપ્રદેશમાં થઈ રહ્યો છે.