આપણા દેશમાં પરીક્ષા લેવાવી અને પછી એ પરીક્ષામાં કઈક છબરડા થાય એટલે એ કેન્સલ કરવી એ સામાન્ય બાબત થઈ ગઈ છે અત્યારે નીટની પરીક્ષામાં ગેરરીતિનો વિવાદ ચાલી રહ્યો હતો અને આ બધાની વચ્ચે UGC-NETની પરીક્ષા રદ કરવામાં આવી છે... શિક્ષણ મંત્રાલય દ્વારા આ પરીક્ષાને કેન્સલ કરવામાં આવી છે. નવેસરથી આ પરીક્ષા લેવામાં આવશે...
મંગળવારે લેવાઈ હતી પરીક્ષા અને બીજા દિવસે...
તમે એક દિવસ પહેલા પરીક્ષા આપો અને પરીક્ષાના બીજા જ દિવસે તે પરીક્ષા રદ્દ કરવામાં આવે તો? આવું જ કંઈક આ પરીક્ષામાં થયું છે. કેન્દ્ર સરકારે 19 જૂને એટલે કે ગઈકાલે UGC-NET પરીક્ષા રદ્દ કરી દીધી છે. આ પરીક્ષા એક દિવસ અગાઉ એટલે કે 18 જૂન મંગળવારે લેવાઈ હતી. પરીક્ષા બે શિફ્ટમાં લેવાઈ હતી. પહેલી પરીક્ષા પૂર્ણ થઈ તે બાદ પરીક્ષામાં ધાંધીયા શરૂ થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. ગેરરીતિના સમાચાર સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાને લઈ નિર્ણય લીધો અને પરીક્ષાને રદ્દ કરી.
શિક્ષણ મંત્રાલયે આદેશ કર્યો કે...
જોકે 19 જૂનના રોજ, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી પરીક્ષામાં ગેરરીતિ થયા હોવાના ઇનપુટ મળ્યા, તે બાદ એક્શન લેવાયા. શિક્ષણ મંત્રાલયે પરીક્ષા પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAને આદેશ કર્યો પરીક્ષા કેન્સલ કરવાનો. આ એ જ એજન્સી છે જે નીટની પરીક્ષામાં ગેરરીતિ માટે ખૂબ ચર્ચામાં છે.
એનટીએ આજકાલ ખૂબ ચર્ચામાં છે કારણ કે..
જે પરીક્ષા કેન્સલ થઈ છે તેની વાત કરીએ તો UGC-NET પરીક્ષા Ph.D એડમિશન્સ, જુનિયર રિસર્ચ ફેલોશિપ એટલે કે JRF અને દેશભરની યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે લેવામાં આવે છે. 18મી જૂને આ પરીક્ષા OMR એટલે કે પેન-પેપર મોડમાં લેવાઈ હતી. આ વખતે UGC-NETના 83 વિષયોની પરીક્ષા એક જ દિવસે બે શિફ્ટમાં લેવામાં આવી હતી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA પહેલેથી જ NEET UG 2024 વિવાદને લગતા આરોપોથી ઘેરાયેલી છે. આ મામલે સુપ્રીમ કોર્ટે NTAને બે અઠવાડિયાની નોટિસ પણ આપી છે. તેની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે.
પરીક્ષા કેન્સલ થયા પર કોંગ્રેસે સાધ્યું નિશાન
UCG-NET પરીક્ષા રદ્દ કરવા પર કોંગ્રેસે X પર કહ્યું- મોદી સરકાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. ગઈકાલે દેશના વિવિધ શહેરોમાં UGC-NETની પરીક્ષા લેવામાં આવી હતી. પેપર લીકની આશંકાને કારણે આજે પરીક્ષા રદ કરવામાં આવી હતી. પહેલા NEETનું પેપર લીક થયું અને હવે UGC-NET, મોદી સરકાર 'પેપર લીક થયેલી સરકાર' બની ગઈ છે.
પ્રિયંકા ગાંધીએ લખ્યું કે....
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું- ભાજપ સરકારની નોકરશાહી અને ભ્રષ્ટાચાર યુવાનો માટે ઘાતક છે. NEET પરીક્ષામાં ગોટાળાના સમાચાર બાદ હવે 18મી જૂને યોજાનારી NETની પરીક્ષા પણ ગેરરીતિના ડરથી રદ કરવામાં આવી છે. શું હવે જવાબદારી નક્કી થશે? શું શિક્ષણ મંત્રી આ નબળી વ્યવસ્થાની જવાબદારી લેશે?
વિદ્યાર્થીઓના ભવિષ્ય મૂકાય છે ખતરામાં
છેલ્લે પ્રશ્ન તો એજ આવે છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ લોકો જે રમત રમે છે એની જવબદારી કોણ લેશે? જો આ રીતે જ દરેક પરીક્ષાઓમાં ધાંધીયા થશે તો યુવાનોનો ભરોસો ઉઠી જશે તંત્ર પરથી. આ મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો..