મુંબઈના શિવાજી પાર્કમાં દર વર્ષે શિવસેના દ્વારા યોજાતી દશેરા રેલી પર આ વખતે સંકટ નડ્યો છે. ઉદ્ધવ જૂથના લોકોએ રેલી માટે ઓગસ્ટમાં BMC (બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) પાસેથી પરવાનગી માગી હતી. પરંતુ, BMC તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના પર ઉદ્ધવ જૂથે હવે હાઈકોર્ટેના દરવાજા ખખડાવ્યા છે. હાઈકોર્ટમાં આ અરજી પર 22 સપ્ટેમ્બરે સુનાવણી થશે. શિવસેનાને 1966થી દર વર્ષે શિવાજી પાર્કમાં રેલીનું આયોજન કરે છે.
હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
ઉદ્ધવ જૂથની શિવસેનાના સેક્રેટરી અનિલ દેસાઈએ અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે કહ્યું કે, BMC એ રેલીની પરવાનગીને લઈ ઓગસ્ટથી લઈ હમણાં સુધી કોઈ નિર્ણય લીધો નથી. આ કારણે પાર્ટીએ નાછૂટકે હાઈકોર્ટમાં અરજી કરી છે. BMC એ દશેરા રેલી માટે વહેલી તકે પરવાનગીને મંજૂર કરવી જોઈએ.
શિવસેના કોની?
ઉદ્ધવ અને શિંદે વચ્ચેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છેઉદ્ધવના નેતૃત્વમાં મહા વિકાસ અઘાડી (MVA) ની સરકાર રચવામાં આવી હતી, જેમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોગ્રેંસ પાર્ટી (NCP) અને કોંગ્રેસનો સમાવેશ થતો હતો. શિવસેનાનો વિવાદ 20 જૂનથી શરૂ થયો હતો, જ્યારે શિંદેના નેતૃત્વમાં 20 ધારાસભ્યો સુરત થઈને ગુવાહાટી ગયા હતા. ત્યારબાદ શિંદે જૂથે શિવસેનાના 55 માંથી 39 ધારાસભ્યો સાથે હોવાનો દાવો કર્યો હતો. એ પછી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપી દીધું હતું. બાદમાં એકનાથ શિંદે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા. સરકાર પડતા ઉદ્ધવ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.26 જૂનના રોજ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે શિવસેના, કેન્દ્ર, મહારાષ્ટ્ર પોલીસ અને ડેપ્યુટી સ્પીકરને નોટિસ પાઠવી હતી. બળવાખોર ધારાસભ્યોને કોર્ટમાંથી રાહત મળી છે. આ કેસ 3 મહિના સુધી કોર્ટમાં ચાલ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટે આ કેસ સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.