નડિયાદ ખાતે આવેલા સંતરામ મંદિરમાં દર વર્ષે ધામધૂમથી મહા મહિનાની પૂનમના દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. વર્ષોથી ચાલતી પરંપરામાં લાખો ભક્તોએ આ સાકરવર્ષામાં લાભ લીધો હતો. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં સાંજના સમયે કરવામાં આવતી આરતીમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાના બે વર્ષ બાદ આ ઉત્સવ ધામધૂમથી ઉજવાતા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વર્ષમાં એક વખત થાય મહાઆરતીનું આયોજન
મહા મહિનાની પૂનમના રોજ સંતરામ મંદિરમાં ધામધૂમથી શ્રી સંતરામ મહારાજનો 192મો સમાધી મહોત્સવ ઉજવાયો હતો. એવું માનવામાં આવે છે કે આ દિવસે સંતરામ મહારાજ સમાધિ લીન થયા હતા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ હતી. આ પ્રસંગને યાદ કરવા દર વર્ષે પૂનમા દિવસે સાકરવર્ષા કરવામાં આવે છે. આ પરંપરા અનેક વર્ષો પછી પણ યથાવત જોવા મળી છે. પૂનમની સાંજે મહારાજના હસ્તે દિવ્ય આરતી કરવામાં આવે છે. મહાઆરતીનો લાભ લેવા અનેક ભક્તો ઉમટી પડે છે.
ભક્તોએ ઝીલ્યો હતો કોપરા તેમજ સાકરનો પ્રસાદ
વર્ષમાં માત્ર એક જ વાર મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આરતી થયા બાદ ઓમકારના નાદ સાથે સાકરવર્ષાનો પ્રારંભ થાય છે અને આ સમય દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી સાકરવર્ષાનો લાભ લેતા હોય છે. મંદિર પરિસરમાં ગોઠવાયેલા સ્વયંસેવકો દ્વારા સાકરની ઉછામણી કરવામાં આવી હતી અને ભક્તોએ સાકર તથા સુકા કોપરાનો પ્રસાદ જીલ્યો હતો. મહા મહિનામાં સાકરવર્ષા કરવામાં આવે છે તો પોષ મહિનાની પૂનમ પર બોર ઉછાળવામાં આવે છે.