અનેક વખત આપણે કહેતા હોઈએ છીએ કે વર્તમાનમાં રહેવું જોઈએ. આજની ક્ષણને માણવી જોઈએ કારણ કે જીવનનો કોઈ ભરસો નથી રહ્યો. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે મોતને ભેટે છે તે જાણી શકાતું નથી. આ વાત એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કોરોના બાદ યુવાનો મુખ્યત્વે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે આજે બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક સમાચાર વલસાડથી સામે આવ્યા છે અને બીજા સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા છે.
કોરોના તો ગયો, પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ વધ્યા!
એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થઈ રહ્યા છે. કોરોના કાળ દરમિયાન આપણામાંથી અનેક લોકોએ પોતાના સ્વજનનોને ગુમાવ્યા હશે. કોરોના તો જતો રહ્યો પરંતુ તે બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોની અંદર જ હાર્ટ એટેકના બનેલા કિસ્સાઓએ ચિંતા વધારી છે. રાજકોટમાંથી અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં યુવાનો હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ગણતરીના કલાકોમાં જ અનેક પરિવારોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.
એક જ દિવસમાં બે લોકોના હાર્ટ એટેકને કારણે થયા મોત
યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓ પહેલેથી ચિંતાનો વિષય તો હતો જ પરંતુ આજે બે લોકોના મોતથી ચિંતા ફરી વધી ગઈ છે. વલસાડમાં કંડક્ટરને હાર્ટ એટેક આવ્યો છે. ચાલુ બસમાં કંડક્ટરની તબિયત બગડી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ તે પહેલા તેમનું મોત થઈ ગયું હતું. બીજી ઘટના બનાસકાંઠામાં બની છે. 30 વર્ષીય યુવાનનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. નોકરી માટે યુવાન નીકળ્યો, રસ્તા પર અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો. મહત્વનું છે કે થોડા દિવસો પહેલા સુરતથી એક ઘટના સામે આવી હતી જેમાં યુવક ગરબા રમી રહ્યો હતો અને અચાનક મોતને ભેટ્યો તે ઉપરાંત જામનગરથી પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. 19 વર્ષીય યુવાન મોતને ભેટ્યો છે.
ખેલૈયાઓ- ગરબા આયોજકો માટે AMAએ બહાર પાડી ગાઈડલાઈન્સ
મહત્વનું છે કે થોડા સમય બાદ નવરાત્રીનો તહેવાર શરૂ થવાનો છે. નવરાત્રીમાં ગરબા માટે ખેલૈયાઓ ઉત્સુક છે. અલગ અલગ સ્ટેપ પણ તૈયાર કરી દીધા છે પરંતુ યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ગરબા આયોજકોની તેમજ ખેલૈયાઓની ચિંતા વઘારી છે. અનેક ગરબા આયોજકો ગરબા ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમને રાખશે. ગરબા આયોજકો તેમજ ખેલૈયાઓ માટે એએમએએ ગાઈડલાઈન્સ બહાર પાડી છે.