નવસારીના બીલીમોરા નજીક એક અરેરાટીભરી ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા હતા. નૂતન વર્ષના પ્રથમ દિવસે જ બનેલી આ કરુણ ઘટનામાં ટ્રેનની એડફેટે આવતા બે યુવકોના મોત થઈ ગયા હતા. આપઘાત કરવા માટે ટ્રેક આગળ ઊભેલા યુવકને બચાવવા જતા અન્ય યુવક પણ ટ્રેનની અડફેટે આવી ગયો હતો. જેમાં બંને યુવકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસે તપાસ શરૂ કરી છે.
શા માટે કર્યો આપઘાત?
દાદર-બિકાનેર ટ્રેન નંબર 12400 ડાઉન લાઇન ઉપર રવિવાર સાંજે તેજ ગતિથી પસાર થઈ રહી હતી. જે બીલીમોરા- અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચે દેવધા ગામના ભેંસલા ફળીયા ખાડી પાસેથી પસાર થતી હતી તે વેળા એક યુવાન ટ્રેન સામે આવી ગયો હતો. ટ્રેન ચાલકે દૂરથી સતત હોર્ન વગાડવા છતાં યુવાન ટ્રેડ ઉપર જ હતો. તે વેળા હોર્ન સાંભળી તેને બચાવવા અન્ય યુવકે તેને પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેનની તીવ્ર ગતિને કારણે બંને યુવાન ઉપર ટ્રેનનાં તોતિંગ પૈડી ફરી વળ્યાં હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોનાં મૃતદેહને હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા હતા, જ્યાં તેમની ઓળખવીધી કરવામાં આવી હતી. યુવકની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.