નાની નાની ઉંમરે લોકોના જીવ હાર્ટ એટેક આવવાને કારણે જઈ રહ્યા છે. કોઈ ક્રિકેટ રમતી વખતે તો કોઈ યોગા કરતી વખતે હાર્ટ એટેકને કારણે મોતને ભેટે છે. ત્યારે પાટણમાં એક જ પરિવારના બે સભ્યોની અર્થી ઉઠી છે. હાર્ટ એટેકને કારણે મોટાભાઈ મોતને ભેટ્યા ત્યારે આ સમાચાર સાંભળી નાના ભાઈને આઘાત લાગ્યો હતો. માત્ર 30 મિનીટની અંદર જ નાના ભાઈનું પણ મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયું હતું. બંને ભાઈઓની અર્થી એક સાથે ઉઠી છે.
હાર્ટ એટેકને કારણે મોટા ભાઈનું મોત
હાર્ટ એટેક આવવાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોઈ ક્યારે મોતને ભેટી જશે તે ખબર નથી પડી રહી. લગ્નમાં જે ઘરથી દીકરીની ડોલી ઉઠવાની હોય છે ત્યાંથી દીકરીની અર્થી ઉઠે છે. કોઈ રમતા રમતા તો કોઈ યોગા કરતા કાળનો કોળિયો બની જાય છે. ત્યારે પાટણથી કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પરિવારના બે સભ્યોની એક સાથે અર્થી ઉઠી છે. પાટણના લોટેશ્વરમાં રહેતા પટેલ પરિવારમાં બે સગા ભાઈઓના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. લોટેશ્વરમાં રહેતા અરવિંદ પટેલ કોઈ કામથી બહાર ગયા હતા અને તે બાદ બહાર ખુરશી પર બેઠા હતા. તે બાદમાં ઉભા થઈ ચાલતા ચાલતા રોડ પર ઢળી પડે છે. ઢળી પડતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃતક ઘોષિત કરવામાં આવ્યા હતા.
મોટા ભાઈ બાદ નાના ભાઈએ પણ દુનિયાને કહ્યું અલવિદા
મોટા ભાઈના નિધનનાં સમાચાર સાંભળી નાના ભાઈ દિનેશ દુકાનથી ઘરે આવ્યા. પરિવારને સંભાળવાની કોશિશ કરી રહ્યા તે દરમિયાન તેમને ગભરામણ થવા લાગી. ગભરામણને કારણે તેઓ ઢળી પડ્યા. હોસ્પિટલ તેમને લઈ જવાયા અને ત્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા. એક તરફ અરવિંદભાઈને ઘરે લાવવામાં આવ્યો તો બીજી તરફ તેમના નાના ભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અરવિંદભાઈના અંતિમ વિદાયની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે તેમના ભાઈએ અંતિમ શ્વાસ લીધા છે. એક સાથે પરિવારમાં બે મોત થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી હતી. બે સગા ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા માહોલ ગમગીન થઈ ગયો છે.