માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે આખરે ભારતમાં તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ટ્વિટર બ્લુ લોન્ચ કરી છે. ભારતમાં મોબાઈલ યુઝર્સને બ્લુ ટિક મેળવવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસની સુવિધાઓનો ઉપયોગ કરવા માટે દર મહિને 900 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે કંપનીએ 650 રૂપિયામાં સૌથી ઓછી કિંમતનો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન જાહેર કર્યો છે. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે.
ટ્વિટર બ્લુ યુઝર્સને આ સુવિધાઓ મળશે
Twitterના જણાવ્યા અનુસાર, પેઇડ સબસ્ક્રિપ્શન લેનારા યુઝર્સને એડિટ ટ્વીટ બટન, 1080p વીડિયો અપલોડ, રીડર મોડ અને બ્લુ ટિકની સુવિધા મળશે. અત્રે ઉલ્લેખનિય છે કે કંપનીએ તેની જૂની વેરિફિકેશન પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, જૂના બ્લુ ટિક એકાઉન્ટ ધારકોને તેમની બ્લુ ટિક જાળવી રાખવા માટે થોડા મહિનાનો ગ્રેસ પીરિયડ આપવામાં આવશે. એટલે કે, તેમણે તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક જાળવવા માટે થોડા સમય પછી સબસ્ક્રિપ્શન પણ લેવું પડશે.
આ દેશોમાં છે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન
ટ્વિટરે ગયા વર્ષે જ ટ્વિટર બ્લુને નવા સ્વરૂપમાં રજૂ કર્યું હતું. તે અગાઉ યુએસ, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને જાપાન સહિતના કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે Twitterની કમાન સંભાળ્યા પછી, કંપનીના નવા બોસ એલોન મસ્કે કંપનીની આવક વધારવા અને ખર્ચ ઘટાડવા માટે ઘણા મોટા નિર્ણયો લીધા હતા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ પણ તે નિર્ણયો પૈકીનો એક હતો.