પશ્ચિમ એશિયાનો એક એવો દેશ જેનું નામ છે તુર્કી . ત્યાંનું પ્રખ્યાત શહેર ઇસ્તમબુલ . આ શહેરના મેયર ઇક્રેમ ઇમામોગલું છે કે જે તુર્કીમાં વિરોધી રાજકીય પક્ષના નેતા છે . તેમની ધરપકડ કરવામાં આવતા ઇસ્તમબુલમાં બે દિવસથી રસ્તા પર દેખાવો થઈ રહ્યા છે. જોકે તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ દેખાવકારોને ખુબ કડક ચેતવણી આપી છે કે , કોઈ પણ પ્રકારના હિંસક દેખાવોને સાંખી નઈ લેવાય . જોકે હવે આ વિરોધ તુર્કીના બીજા ભાગોમાં પણ ફેલાયો છે. જેવી જ મેયર ઇમામોગલુની બુધવારના દિવસે ધરપકડ થઈ તે પછી ઇસ્તમબુલ શહેરમાં હજારો આંદોલનકારીઓ ત્યાંની ઐતિહાસિક જગ્યાએ ભેગા થયા હતા . જ્યાં તેમણે પોલીસના બેરિકેડ તોડવાની કોશિશ કરી હતી . આ પછી સુરક્ષા દળોએ પીપર સ્પ્રે , ટીયર ગેસ અને રબર બુલેટનો ઉપયોગ આ દેખાવકારોને વિખેરવા કર્યો હતો . જોકે આ પછી દેખાવકારોએ પોલીસ અને સુરક્ષાદળો પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો . સામે પોલીસે તો એન્ટી રાયટ રાઇફલનો ઉપયોગ આ દેખાવકારોની સામે કર્યો હતો . હવે આવા જ દેખાવો તુર્કીના બીજા ભાગો તેની રાજધાની અંકારા અને તુર્કીના અન્ય એક શહેર ઇઝમીરમાં પણ થયા હતા . તુર્કીના બીજા શહેરોમાં પણ હજારો લોકોએ આ ધરપકડની વિરુદ્ધમાં કૂચ કરી હતી . આખા દેશમાં ૯૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. વાત કરીએ , ઇસ્તમબુલના મેયર ઇમામોગલુની તો , તેમના ઘરે એજન્સીઓ દ્વારા રેડ પાડવામાં આવી . આ પછી ઓથોરિટીઓએ તેમની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે સાથે જ તેમની પર આતંકવાદી સંગઠન સાથે જોડાણના પણ આરોપ લગાવ્યા છે . મેયર ઇમામોગલુની સાથે બીજા બે શહેરના મેયરની ધરપકડ પણ કરવામાં આવી છે. ઉપરાંત બીજા ઘણા વિરોધ પક્ષના નેતાની ધરપકડ કરવામાં આવી છે. મેયર ઇમામોગલુ એ ૨૦૨૮માં તુર્કીમાં થનારી ચૂંટણીના રાષ્ટ્રપતિ એરદોગનના સ્પર્ધક મનાય છે. જોકે તુર્કી સરકારના સૂત્રોએ આ તમામ વાત નકારી નાખી છે.
તો આ બાજુ તુર્કીના મુખ્ય વિરોધ પક્ષના નેતા ઓઝગુર ઓઝેલે નાગરિકોને શાંતિપૂર્ણ દેખાવો કરવાની અપીલ કરી છે. તેમણે ઇસ્તમબુલ સિટી હોલની બહાર એક રેલીને સંબોધન કર્યું હતું . જેમાં તેમણે રાષ્ટ્રપતિ એરદોગન પર આરોપ લગાવતા કહ્યું છે કે તેઓ ન્યાયપાલિકાનો વિરોધપક્ષની વિરુદ્ધમાં ઉપયોગ કરી રહ્યા છે. તુર્કીના રાષ્ટ્રપ્રમુખ એરદોગને આ તમામ આરોપો નકારી નાખ્યા છે . તેમણે આ દેખાવોને દેશને અસ્થિર બનાવવાની સાજીશ કહી છે . સાથે જ આવા હિંસક દેખાવો કોઈ પણ ભોગે સાંખી નઈ લેવાયની વાત કરી છે. વાત કરીએ તુર્કીની તો , રાષ્ટ્રપતિ એરદોગનના નેતૃત્વમાં તે સંપૂર્ણ ઇસ્લામિક જગતનું નેતૃત્વ કરવા માંગે છે. રાષ્ટ્રપતિ એરદોગને ફેબ્રુઆરી ૨૦૨૫માં જમ્મુ અને કશ્મીરના મુદ્દે UN ડાયલોગની વાત કરી હતી . ત્યારે ભારત સરકારે આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો . તુર્કીએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) નું સભ્ય દેશ છે . વર્તમાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં યુએસ NATOમાંથી બહાર નીકળી શકે છે. જો એવું થાય તો , તુર્કી NATO દેશોમાં સૌથી તાકાતવર બની જશે . હમણાં જ સીરિયામાં ડિસેમ્બર ૨૦૨૪માં , જે રીતે બશર અલ - અસદનો તખ્તો પલટાયો તેમાં પણ તુર્કીની મુખ્ય ભૂમિકા હતી .
તો હવે જોઈએ પશ્ચિમ એશિયામાં તુર્કી ક્યા સુધી તેનો પ્રભાવ જાળવી શકે છે.