શિક્ષક અને વિદ્યાર્થિનીઓ વચ્ચેના પવિત્ર સંબંધને લાંછન લગાડતી એક ઘટના અમદાવાદના અમદાવાદના સરખેજ વિસ્તારમાં બની હતી. સરખેજ વિસ્તારમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવતા આલોક કુમારે સગીર વયની બે વિદ્યાર્થિનીઓને શારીરિક અડપલા કર્યા હતા. જેને લઈને પીડિતાના માતા-પિતાએ ફરિયાદ નોંધાવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. શિક્ષક આલોક કુમારે જામીન મેળવવા માટે જામીન અરજી કરી હતી, જો કે હાઇકોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. આ ઘટના બની ત્યારે વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
ગુજરાત હાઈકોર્ટે ઝાટકણી કાઢી
આલોક કુમારની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટના જજ નિર્ઝર દેસાઈએ કહ્યું હતું કે, આવી વિકૃત માનસિકતા ધરાવતા શિક્ષકો આપણા સમાજ માટે ખતરારૂપ છે. ખાસ કરીને શિક્ષણ સાથે જોડાયેલા લોકો જ્યારે આવું કૃત્ય કરે ત્યારે તેમને જરાય પણ સાંખી લેવાય નહીં. બાળકીઓ સાથે અડપલા અથવા દુષ્કૃત્યોની ફરિયાદ કરવા માટે વાલીઓએ હિંમત દાખવવી જરૂરી છે. જો એકવાર આ વાતને અવગણવામાં આવે તો આરોપી ફરીથી અન્ય કોઈને શિકાર બનાવી શકે છે. સ્કૂલ અને કોલેજની જેમ ટ્યૂશન ક્લાસિસ પણ એક પ્રકારની શૈક્ષણિક સંસ્થા જ છે અને ત્યાં જ જો બાળકીઓ સાથે જાતીય શોષણ કરવામાં આવે તો તે માફીને પાત્ર નથી. શિક્ષકને જો જામીન મળે તો તે સમાજ માટે ખોટું ઉદાહરણ સાબિત થશે.
સમગ્ર મામલો શું હતો?
અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતો આરોપી આલોક કુમાર ઓર્ચિડ હાઈટ્સમાં આવેલા પોતાના ઘરમાં ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે. આરોપી આલોક કુમારની સગીર વયની વિદ્યાર્થિનીઓ પર નજર બગડી હતી. તેણે 16 વર્ષ અને 14 વર્ષ તેમ બે વિદ્યાર્થિનીઓને એક્સ્ટ્રા ક્લાસના બહાને પોતાના ઘરે બોલાવી હતી.અને તેમની સાથે શારીરિક અડપલા કર્યા હત. 16 વર્ષની છોકરીએ ઘરે જઈને માતા-પિતાને આ વિશે જાણ કરી હતી. જ્યારે તેમણે સાથે ભણવા જતી 14 વર્ષની છોકરીને આ વિશે પૂછ્યું તો તેણે પણ શિક્ષકે તેની સાથે અડપલા કર્યા હોવાનું કહ્યું હતું. જે બાદ આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ જમીન અરજી કરી હતી, જો કે ગુજરાત હાઈકોર્ટના આ કૃત્યને જઘન્ય ગણાવીને તેની અરજી ફગાવી હતી