શનિવારથી ટ્રક ડ્રાઈવરો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. ડ્રાઈવરોએ અનેક રસ્તાઓ ચક્કાજામ કર્યા છે. ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશભરથી આવા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઇવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાળ પાડીને વિરોધ નોંધાયો છે. આ હડતાળને લઈને કોંગ્રેસના એક ધારાસભ્ય ડ્રાઇવરોના સમર્થનમાં પહોંચ્યા હતા.આ કાયદામાં વાહન અકસ્માતના ગુનામાં માલવાહક વાહનના ડ્રાઈવરને અકસ્માતના કિસ્સામાં 10 વર્ષ સુધીની જેલ તેમજ ફરીથી વાહનચાલકને લાઈસન્સ મળે જ નહીં તેવી જોગવાઈઓ છે. જેની સામે ટ્રકચાલકોમાં ઉગ્ર રોષ છે.
ટ્રક ડ્રાઈવરોના સમર્થનમાં આવ્યા ધારાસભ્ય અનંત પટેલ
અકસ્માતના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હિટ એન્ડ રનમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે. અકસ્માત સર્જનાર ઘાયલ વ્યક્તિને રસ્તા પર તડપતા મૂકીને ફરાર થઈ જાય છે. હોસ્પિટલ પણ ખસેડવામાં નથી આવતા. અનેક બાબતોને ધ્યાનમાં રાખી અકસ્માતના નવા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા કાયદા અંતર્ગત અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા ડ્રાઈવરને 10 વર્ષની સજા તેમજ ફાઈન ભરવાનો રહેશે. જોકે અકસ્માત બાદ નજીકના પોલીસ સ્ટેશને સરેન્ડર થનાર ડ્રાઈવરને આ કાયદો લાગુ નહીં થાય. અકસ્માત સ્થળે ટ્રક પડી હશે તો પણ નવા કાયદાની સજા લાગુ નહીં પડે. નવો કાયદો "હિટ એન્ડ રન"ની વ્યાખ્યામાં આવતો કાયદો, જે તમામ ડ્રાઈવરોને લાગુ પડશે. આંદોલનના નામે કયાંય પણ કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે એસોસિયેશન દ્વારા ડ્રાઈવરોને અપીલ પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ આંદોલનમાં રાજકીય વ્યક્તિઓ પણ જોડાયા છે