રાજ્યમાં ગઈકાલથી શિયાળામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતના પાકને મોટા પાયે નુકસાન થયું છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ક્યાંક કમોસમી વરસાદ તો ક્યાંક કરા પડ્યા હતા. ગુજરાતનું વાતાવરણ આબુ જેવું બન્યું હતું. મળતી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના ચુડામાં વરસાદ વરસ્યો છે.
આ જિલ્લાઓમાં આવી શકે છે માવઠું!
ત્યારે આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં આસમાની આફત આવી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં માવઠું આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે જ્યારે સૌરાષ્ટ્રમાં ભારે કમોસમી વરસાદ થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે અનેક લોકોના વીજળીને કારણે મોત થયા છે જ્યારે અનેક પશુ પણ આ માવઠાને કારણે મોતને ભેટ્યા છે.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદ માટે કરી આ આગાહી!
આગાહી અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદી ઝાપટા છૂટાછવાયા વરસી શકે છે. દમણ, દાદરા નગર હવેલી તથા અમરેલી, ભાવનગર માટે હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તે ઉપરાંત અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, બોટાદમાં માવઠું આવી શકે છે. હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ અને વેરાવળ, જામનગરમાં વરસાદની સંભાવના છે.