વૃક્ષારોપણ કરવા માટે સરકાર અનેક વખત લોકોને અપીલ કરતી હોય છે. વૃક્ષો હશે તો પર્યાવરણની રક્ષા થશે, વૃક્ષો હશે તો સારો વરસાદ આવશે વગેરે વગેરે વાતો આપણે સાંભળતા આવ્યા છીએ. સરકારના અનેક કાર્યક્રમોમાં વૃક્ષારોપણ કરવામાં આવતું હોય છે, પરંતુ તંત્ર દ્વારા જ વૃક્ષોને કાપવામાં આવી રહ્યા છે. આપણે તો વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ પરંતુ પ્રકૃતિને પર્યાયવરણને આપણે પાછળ ઘકેલી રહ્યા છીએ. શહેરમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. અનેક નવા પ્રોજેક્ટ, નવા સાઈટનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે પરંતુ તે વિકાસનો ભોગ વૃક્ષો બની રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદમાં છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે.
13 વર્ષમાં કપાયા 1684 ઝાડ!
ગુજરાતમાં અનેક વિકાસના કામો થતા રહેતા હોય છે. અનેક પ્રોજેક્ટો ચાલતા રહે છે. ક્યાંક બ્રિજનું નિર્માણ ચાલતું હોય છે તો ક્યાંય રસ્તાનું નિર્માણ ચાલતું હોય છે. આની પહેલા પણ અનેક પ્રોજેક્ટો પૂર્ણ થયા છે. પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે અનેક વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વિવિધ પ્રોજેક્ટોને લઈ છેલ્લા 13 વર્ષમાં 1684 વૃક્ષોને ધરાશાયી કરવામાં આવ્યા છે. આ આંકડા અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના લઘુમતી વિભાગના કામચલાઉ ચેરમેન અતિક સૈયદે એક માગ કરી છે કે જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે તેટલા વૃક્ષો ઉગાડવામાં આવે. શહેરમાં વોટર, બીઆરટીએસ, ઈજનેર, રોડ, ડ્રેનેજ, હાઉસિંગ સહિતના પ્રોજેક્ટની કામગીરી નડતરરૂપ થતા વૃક્ષોને કાપી દેવામાં આવ્યા છે. અને જેટલી સંખ્યામાં વૃક્ષોને કાપવામાં આવે છે તેટલા વૃક્ષો વાવવામાં આવતા નથી.
આ પ્રોજેક્ટ અંતર્ગત કપાયા વૃક્ષો
જ્યારે પણ કોઈ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવે છે ત્યારે જો વૃક્ષો કાપવા પડે તેવી પરિસ્થિતિ હોય તો આવા સંગોજોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની પરમિશન લેવી પડતી હોય છે. રસ્તાનું નિર્માણ કરવું હોય અથવા તો રસ્તાને પહોળા કરવા હોય તો વૃક્ષોને કાપવામાં આવતા હોય છે. છેલ્લા 13 વર્ષમાં રસ્તો પહોંળા કરવા માટે 922 વૃક્ષોનો નાશ જળમૂળથી કરવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બનાવવા માટે 347 જેટલા વૃક્ષોને કાપવામાં આવ્યા છે જ્યારે પાઈપ લાઈન નાખવાની કામગીરી દરમિયાન 323 વૃક્ષોનો ભોગ લેવાયો છે.
આ રહ્યું ઝોન વાઈઝ લિસ્ટ!
જો ઝોન વાઈઝ કાપવામાં આવેલા વૃક્ષોની વાત કરીએ તો, 300 જેટલા ઝાડ ઉત્તર ઝોનમાં કાપવામાં આવ્યા છે, 216 જેટલા ઝાડનો ભોગ દક્ષિણ પશ્ચિમ ઝોનમાં લેવાયો છે, પૂર્વ ઝોનમાં 82 જેટલા ઝાડોને કાપવામાં આવ્યા છે, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 462 જેટલા વૃક્ષો ધરાશાયી કરાયા છે. પશ્ચિમ ઝોનમાં 473 જેટલા વૃક્ષોને તોડી નખાયા છે. મધ્ય ઝોનમાં 3 ઝાડને કાપવામાં આવ્યા છે જ્યારે દક્ષિણ ઝોનમાં 148 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. મહત્વનું છે કે એક તરફ સરકાર વૃક્ષારોપણની વાતો કરે છે, લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો બીજી તરફ વિકાસના નામે, વિકાસના નામોમાં સરકાર જ વૃક્ષોનું મહત્વ ભૂલી જાય છે. ત્યારે સરકારે પણ વૃક્ષોના મહત્વને સમજવું પડશે.