છેલ્લા થોડા દિવસોથી તમે ન્યુઝ ચેનલોમાં કે સોશિયલ મીડિયા પર એવા દ્રશ્યો જોયા હશે જેમાં ટ્રેનોમાં જગ્યા માટે લોકો ધક્કામુકી કરતા હોય છે. દિવાળીના સમયમાં સામાન્ય રીતે આવા દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે જેમાં લોકો જીવના જોખમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. દિવાળી તેમજ છઠ્ઠ પૂજાને લઈ રોજીરોટી માટે બીજા રાજ્યમાં આવેલા લોકો પોતાના પરિવારને મળવા આ સમય દરમિયાન પોતાના વતન પાછા જતા હોય છે. તહેવાર પોતાના પરિવાર સાથે મનાવશે તેવી આશા સાથે.. પરંતુ રેલવે સ્ટેશન પર જે પરિસ્થિતિ સર્જાય છે તે આપણે જોઈએ છીએ. પરિવારજનો સાથે છઠ્ઠનો તહેવાર મનાવવા માટે લોકો મુખ્યત્વે ઉત્તરપ્રદેશ તેમજ બિહાર જઈ રહ્યા છે. થોડા મહિના કમાઈને લોકો તહેવારને ઉજવવા માટે પોતાના પરિવાર સાથે જાય છે. પરંતુ તે લોકોને બેસવા માટે જગ્યા પણ નથી મળતી. જગ્યા તો ઠીક પરંતુ અંદર જવા માટેની જગ્યા નથી.
દિવાળી તેમજ છઠ્ઠ પૂજાને લઈ લોકો જતા હોય છે પોતાના વતન
એક વખત વિચાર કરો કે તમે યાત્રાનો પ્લાન કરી રહ્યા છો. મહિના પહેલા ટિકિટ લઈ લીધી હોય, પરિવાર સાથે કેવી રીતે તહેવારની ઉજવણી કરવી તેના સ્વપ્ન પણ જોઈ લીધા હશે. મહિનાઓ પહેલા ટિકિટ પણ ખરીદી લીધી હશે, પરંતુ જ્યારે તમે રેલવે સ્ટેશને જાવ છો ત્યાં આખી પરિસ્થિતિ અલગ છે. રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી. જે ભીડ રેલવે સ્ટેશન પર જોવા મળી છે તે કોઈ અનજાન ભીડ નથી. આ આપણા દેશની જનતા છે. આ અમારા દેશની જનતા છે, જે પોતાના ઘરે જવા માટે તત્પર હોય છે. હોળી-દિવાળી અને છઠ્ઠ જેવા તહેવાર મનાવવા પોતાના વતન જતા હોય છે. નોકરી માટે પોતાનું વતન છોડી આ લોકો મોટા શહેરોમાં આવતા હોય છે. થોડા દિવસોની રજા લઈ પોતાના શહેર પોતાના વતન જતા હોય છે.
દેશનો વિશાળ વર્ગ સામાન્ય ટ્રેનમાં કરે છે મુસાફરી
તહેવાર મનાવવા માટે થોડો સમય તે પોતાના સાથે લઈ જતા હોય છે. વતન જવા માટે જ્યારે આ લોકો રેલવે સ્ટેશન જાય છે, ટિકિટ ખરીદે છે અને ટ્રેનની રાહ જોવા લાગે છે. રેલવે સ્ટેશન પર એ ભરોસા સાથે બેસી જાય છે કે જનરલ ડબ્બામાં તેમને બેસવા માટે જગ્યા મળી જશે. જગ્યા મળતા તેઓ બેસી શકશે પરંતુ જ્યારે ટ્રેન આવે છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. દેશના વિશાળ વર્ગનો ભરોસો ત્યારે તૂટી જાય છે જ્યારે ટ્રેનના ડબ્બાની હાલત એ લોકો જોવે છે. લોકો ટ્રેનના બારીની બહાર આવી શ્વાસ લેતા હોય છે, ધક્કામૂકી કરી ટ્રેનની અંદર પ્રવેશવાની કોશિશ કરે છે કારણ કે તેમને તહેવાર પોતાના પરિવાર સાથે મનાવવો હોય છે. બાળકો તેમજ વડીલો માટે પણ તે લોકોએ ખરીદી કરી હોય છે.
ભારતીય અર્થતંત્રનો મોટો વર્ગ હોય છે!
ટિકિટ લીધા પછી આ લોકો પોતાના ડબ્બા તરફ આગળ વધે છે સીટ મેળવવા માટે પરંતુ તેમને નિરાશા મળે છે. ટિકિટ હોવા છતાંય તે ટ્રેનમાં નથી ચઢી શક્તા કારણ કે ભીડ એટલી હોય છે કે જે વ્યક્તિ પાસે ટિકિટ હોય છે તે રહી જાય છે અને ટિકિટ વગરના ચઢી જાય છે. હિંમત કરી વ્યક્તિ ટ્રેનમાં ઘૂસવા પગ આગળ વધારે છે. જે વ્યક્તિ ટ્રેનમાં ઘૂસવાની કોશિશ કરે છે તે કોઈ સાધારણ વ્યક્તિ નથી પરંતુ ભારતીય સમાજ અને ભારતીય અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો ચઢે છે.
સુરતમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું થયું હતું મોત
એક કિસ્સો નહી પરંતુ આવા તો અનેક કિસ્સાઓ આપણી સામે છે. એ સુરતથી સામે આવેલા સમાચાર હોય છે કે વડોદરા રેલવે સ્ટેશનથી સામે આવેલા દ્રશ્યો હોય. સુરતમાં ધક્કામુકીને કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું જ્યારે અને કલોકો બેભાન થઈ ગયા હતા. તો વડોદરામાં પણ એવો કિસ્સો બન્યો જેમાં કન્ફર્મ ટિકિટ વાળા સ્ટેશન પર રહી ગયા. તે ઉપરાંત દેશના વિવિધ રાજ્યોથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ટ્રેનમાં જગ્યા મેળવવા માટે લોકોએ સંઘર્ષ કરવો પડતો હોય છે. તહેવારને લઈ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે પરંતુ તે ટ્રેનો પણ એટલી ન હતી કે તે લોકોને સુરક્ષિત રીતે શાંતિપૂર્ણ રીતે મુસાફરી કરાવી શકે!
મધ્યમવર્ગીય લોકો કરે છે સામાન્ય ટ્રેનોમાં સફર
મહત્વનું છે કે એક તરફ આપણે વિકસીત દેશની વાતો કરી રહ્યા છે, અનેક ટ્રેનોનું લોકાર્પણ કરવામાં આવે છે, બુલેટ ટ્રેનની વાતો કરીએ છે, સપના જોઈએ છીએ પરંતુ તે સામાન્ય માણસને સીધી અસર નથી કરતી. સામાન્ય માણસને સીધી અસર એવી વસ્તુઓથી થાય છે જેની સાથે તે સીધા સંપર્કમાં આવતો હોય છે. વંદે ભારત ટ્રેન દેશમાં કેટલી દોડી રહી છે, કેટલી સ્પીડથી દોડી રહી છે તે સામાન્ય લોકોને એટલી અસર નહીં કરે જેટલી અસર એક નોર્મલ ટ્રેન કેન્સલ થવા પર થશે. એક તરફ એક્સપ્રેસ ટ્રેનો વધી રહી છે તો બીજી તરફ મધ્યમવર્ગીય પરિવારના સભ્યો જે ટ્રેનને અફોર્ડ કરી શકે તેવી ટ્રેનો ઘટી રહી છે. જે દ્રશ્યો આ વખતે સામે આવ્યા છે તે નવા નથી, અનેક વખત આવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે તહેવારને લઈ સરકારે વધારે ટ્રેનોની વ્યવસ્થા કરવી જોઈતી હતી તેવી વાતો લોકોના મુખે ચર્ચાઈ રહી છે. યોગ્ય સુવિધા હોત તો જે વ્યક્તિનું મોત સુરત રેલવે સ્ટ્રેશન પર ધક્કામુક્કીને કારણે થયું છે તે ન થયું હોત!