ગઈકાલે રાજસ્થાનમાં એક ભીષણ રોડ અકસ્માત થયો હતો. મથુરા જવા માટે ચાર દિવસ પહેલા યાત્રાળુઓએ યાત્રા શરૂ કરી હતી. યાત્રાધામ માટે નીકળેલા યાત્રાળુઓને ક્યાં ખબર હતી કે આ યાત્રા તેમની અંતિમ યાત્રા બની જશે. ગઈકાલે થયેલા ભીષણ રોડ અકસ્માતમાં ભાવનગરના તળાજાના શિહોર ગામમાં રહેતા 12 લોકોના મોત થઈ ગયા હતા. એ ભીષણ રોડ અકસ્માતમાં 12 લોકોનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
એક સાથે નીકળી 10 લોકોની અંતિમ યાત્રા
ઘટનાની જાણ થતાં ગામમાં માતમ છવાઈ ગયો હતો. એક સાથે 10 લોકોના મોતના સમાચાર સાંભળવા કોઈના માટે પણ સહેલા નથી હોતા. લોકો પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. ત્યારે એમ્બ્યુલન્સના માધ્યમથી તમામ લોકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ગુજરાત તેમના વતન લાવવામાં આવ્યા હતા. જ્યારે મૃતદેહનો ગામમાં લવાઈ રહ્યા હતા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે આપણાં રૂંવાડા ઉભા કરી દે તેવા છે. એક સાથે જ્યારે 10 અર્થી ઉઠે ત્યારે જે દિલમાં લાગણી ઉઠે તે કદાચ શબ્દોમાં વર્ણવી શકાય તેવી હોતી નથી.
કોણ કોના આંસુ લૂછે.....
મૃતકોને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી ત્યારે તેમની અંતિમ યાત્રામાં અંદાજીત 10 હજાર જેટલા લોકો જોડાયા હતા. આ દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. કોણ કોના આંસુ લૂછે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આ અકસ્માતમાં દિહોર ગામના 10 લોકોના મોત થઈ ગયા હતા. માદરે વતન મૃતદેહોને લવાયા હતા અને ત્યાં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી.
કેવી રીતે સર્જાઈ હતી દુર્ઘટના?
આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની વાત કરીએ તો ગઈકાલે સવારે રાજસ્થાનના ભરતપુર-આગ્રા હાઈવે પર ભીષણ રોડ અકસ્માત સર્જાયો હતો. જે બસમાં યાત્રીકો યાત્રા માટે નીકળ્યા હતા તે બસની ડીઝલની પાઈપ અચાનક ફાટી ગઈ હતી. બસને રિપેર કરવા માટે સાઈડમાં ઉભી રાખવામાં આવી હતી. યાત્રીકો બસ રિપેરિંગ થાય તેની રાહ રસ્તા પર સાઈડમાં ઉભા થઈને જોઈ રહ્યા હતા તે સમયે ટ્રક ત્યાં આવી અને તેમને અડફેટે લઈ લીધા હતા. આખા રસ્તા પર લાશોના ઢગલા જોવા મળ્યા હતા.રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે આજે મૃતદેહોને માદરે વતન લવાયા હતા ત્યારે ગમગીન કરી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા. નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રીએ આ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો હતો.