અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અનેક લોકોના મોત અકસ્માતને કારણે થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં એક વિદ્યાર્થીનું મોત એમ્બ્યુલન્સની અડફેટે આવતા થયું છે. ધૂળેટીના દિવસે ફોઈના ઘરેથી પરત કાકાના ઘરે જઈ રહેલા વિદ્યાર્થી અકસ્માતનો શિકાર બન્યો છે. બીઆરટીએસ રોડ ઉપર રઘુકુળ ચોક પાસે એક એમ્બ્યુલન્સની અડફેટે આવી જતા યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
વિદ્યાર્થી બન્યો કાળનો કોળિયો
રાજ્યમાં દિવસ દરમિયાન અનેક અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતને કારણે અનેક લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે સુરતથી છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે વધુ એક યુવાને એક્સિડન્ટમાં પોતોનો જીવ ગુમાવ્યો છે. હોળી પર્વ દરમિયાન ફોઈને ઘરેથી સરથાણા પરત આવી રહેલા યુવકને અકસ્માત નડ્યો છે. સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને સીમાડાનાકા બીઆરટીએસ રોડ ઉપર રઘુકુળ ચોક પાસે એક એમ્બ્યુલન્સની અડફેટમાં આવી ગયો હતો. અમદાવાદમાં રહેતો યુવક પરીક્ષા કેન્દ્ર સુરતમાં હોવાને કારણે પોતાના કાકાના ઘરે રહેતો હતો. રોડ ક્રોસ કરતી વખતે બીઆરટીએસ રૂટમાં ચાલતી એમ્બ્યુલેન્સની સાથે તેની ટક્કર થઈ અને ગંભીર ઈજાઓ પહોંચતા તે મોતને ભેટ્યો.
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય કે અથવા તો કોઈ ઈમરજન્સી હોય ત્યારે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી હોસ્પિટલ પહોંચવામાં આવે છે. એવા અનેક કિસ્સાઓ હશે જેમાં એમ્બ્યુલન્સને કારણે લોકોનો જીવ બચ્યો હશે ત્યારે આ વખતની દુર્ઘટનામાં એમ્બ્યુલન્સ જ વિદ્યાર્થી માટે યમદૂત બની ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે વિદ્યાર્થી રોડ ક્રોસ કરવા જઈ રહ્યો હતો અને આ દરમિયાન પૂર ઝડપે એક એમ્બ્ચુલન્સ ત્યાંથી પસાર થઈ હતી. એમ્બ્યુલન્સની ટક્કર વાગવાથી યુવક ફંગોળાઈ ગયો. માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેનું મોત થઈ ગયું હતું. પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.