ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. પાણીની આવક થતાં નદીઓના જળસ્તર વધી રહ્યા છે. વરસાદની સિઝન દરમિયાન અનેક રસ્તાઓનું ધોવાણ થતું હોય છે, દિવાલ ધરાશાયી થવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ બ્રિજ પડવાના કિસ્સાઓ પણ અનેક વખત બનતા હોય છે. ત્યારે ખેડાની વાત્રક-મેશ્વો નદી પર બની રહેલા બ્રિજનો એક સ્લેબ ધરાશાયી થઈ ગયો છે. નિર્માણાધીન પુલના સ્લેબના નીચેનો ટેકો ધડામ કરતો પડી ગયો છે. પાણીમાં વહેતા સ્લેબનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતની નદીઓમાં થઈ પાણીની આવક
દેશના અનેક રાજ્યોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. અનેક રાજ્યોમાં અનેક ટકા વરસાદ પણ વરસી ગયો છે. ભારે વરસાદ થવાને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં થતાં ભારે વરસાદને કારણે પણ ગુજરાતની નદીઓમાં પાણીની આવક થઈ છે. નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદને કારણે અનેક દુર્ઘટનાઓના સમાચારો સામે આવતા રહે છે. ત્યારે આજે એક વીડિયો સામે આવ્યો છે જેમાં ખેડાના દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે બની રહેલા પુલનો એક ભાગ પાણીમાં વહી ગયો. વાત્રક-મેશ્વો નદી પર બની રહેલ નવ નિર્માણ બ્રિજનું સ્ટ્રકચર પાણીમાં પડી ગયું. પાણીના તેજ પ્રવાહને કારણે તે સ્ટ્રક્ચર પાણીમાં વહેવા લાગ્યું.
પાણીના પ્રવાહને કારણે પણ બ્રિજ થઈ શકે છે ધરાશાયી!
ઘણા સમયથી બ્રિજ તૂટી પડવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એ ભલે ગુજરાત હોય કે બિહાર હોય. નિર્માણ પામી રહેલા બ્રિજો પણ તૂટી રહ્યા છે. વરસાદને કારણે રસ્તાઓની હાલત તો બિસ્માર થઈ રહી છે પરંતુ બ્રિજ પણ તૂટી રહ્યા છે. નિર્માણધીન બ્રિજો પણ તૂટી રહ્યા છે. ત્યારે આ બ્રિજ ભ્રષ્ટાચારને કારણે તૂટી પડ્યો હોય તેવું પણ ના કહી શકાય. કારણ કે પાણી આગળ લોકો લાચાર છે. પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ જતી હોય છે, ત્યારે આ બ્રિજ પણ પાણીના પ્રવાહને કારણે તૂટી પડ્યો હોઈ શકે છે.
અનેક બ્રિજો એવા છે જેની સાથે સર્જાઈ છે દુર્ઘટના
થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લાથી આવો કિસ્સો સામે આવ્યો હતો. ભાવનગર-સોમનાથ હાઈવે પર રાજુલાના દાતરડી ગામ પાસે બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થાય તે પહેલાં જ સ્લેબ ધરાશાયી થયો હતો. આતો એવા બ્રિજ છે જેનું કામકાજ ચાલી રહ્યું હોય ત્યારે પડ્યા હોય. પરંતુ અનેક એવા બ્રિજો છે જેનું લોકાર્પણ થઈ ગયું હોય અને માત્ર થોડા સમય બાદ જ બ્રિજ પર ખાડા, ભૂવો જોવા મળતા હોય છે. અમદાવાદમાં પણ નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો હતો. બોપલથી શાંતિપુરા તરફ જવાના રસ્તા પર બની રહેલા બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આવા તો અનેક કિસ્સાઓ છે.