ગટરને સાફ કરવા માટે જ્યારે સફાઈ કામદારો ઉતરે છે ત્યારે ગુંગળામણને કારણે તેમનું મોત થઈ જતું હોય છે. ગઈકાલે એક તરફ લોકો નવા વર્ષની ખુશી મનાવી રહ્યા હતા તો બીજી તરફ એ પરિવાર શોક મનાવી રહ્યો હતો જેમણે પોતાના સ્વજનને ગટરમાં થતાં ગુંગળામણને કારણે થયા હતા. સુરતથી એક સમાચાર સામે આવ્યા જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે ગુમાવ્યા હતા. સુરતમાં પલસાણા – કડોદરા રોડ પરની ઘટના સામે આવી છે. જેમાં ટાંકી સાફ કરવા ઉતરેલા 4 શ્રમિકોના ગૂંગળામણના કારણે મોત થયા. આ પહેલી વાર નથી પરંતુ અનેક વખત આવા કિસ્સાઓ આવી રહ્યા છે.
નવા વર્ષે ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા
એક તરફ આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ હજી સુધી એવી સિસ્ટમ નથી વિકસાવી શક્યા કે જે મજુરોના જીવને બચાવી શકે! ટાંકી સાફ કરવા, ગટર સાફ કરવા જ્યારે શ્રમિકો નીચે ઉતરે છે ત્યારે તેમના જીવન પર સંકટ રહેલું હોય છે. નાના માણસના જીવનની કોઈ કિંમત જ નથી એવું વિચારવા માટે આવી ઘટનાઓ મજબૂર કરે છે. સુરતમાં નવા વર્ષના દિવસે એક દુર્ઘટના સર્જાઈ છે જેમાં ચાર મજુરોના મોત ગુંગળામણને કારણે થયા છે.
ટાંકી સાફ કરવા માટે નીચે ઉતર્યા હતા મજુરો
આ અંગે મળતી માહિતી અનુસાર , કડોદરા રોડ પર આવેલ રાજહંશ ટેક્ષ નામની મિલમાં ઈન્ફ્યુલેન્ટ ટ્રીટમેન્ટની 20-25 ફૂંટ ટાંકાની સફાઈ કરવા માટે 4 જેટલા શ્રમિકો અંદર ઉતર્યા હતા. આ દરમિયાન તેઓને ગૂંગળામણ થવા લાગી હતી.બીજી તરફ આ બનાવની જાણ થતાં કામરેજ અને બારડોલી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં ફાયર વિભાગના જવાનોએ ટાંકામાંથી 4 શ્રમિકોના મૃતદેહો બહાર કાઢ્યા હતા. થોડા સમય પહેલા ભાવનગરથી આવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં ગટર સાફ કરવા ઉતરેલા મજુરનું મોત ગુંગળામણને કારણે થયું હતું.
ક્યારે બદલાશે આવી પરિસ્થિતિ?
ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે. સતત બનતી આવી ઘટનાઓ સામાન્ય લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે આ લોકોની સુરક્ષા માટે પણ યોગ્ય પગલા લેવાવા જોઈએ. સામાન્ય માણસના વિચારવાથી કંઈ નથી બદલાનું પરંતુ ત્યારે બદલાશે જ્યારે સરકાર તેમની સુરક્ષા માટે કોઈ પગલા લેશે. સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવી રહ્યા આ તેનું ઉદાહરણ છે. સરકારને જાણ હોવા છતાંય આવી ઘટનાઓને નજરઅંદાજ જાણી જોઈને કરતી હોય તેવું લાગી રહ્યું છે.