હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. આ સમય દરમિયાન અનેક એવા સમાચારો સામે આવતા હોય છે જેમાં સ્લેબ અથવા તો બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થતાં દુર્ઘટના સર્જાતી હોય છે. કોઈ વખત નિર્માણ પામી રહેલી બિલ્ડીંગો પણ ધરાશાયી થતાં અકસ્માત સર્જાતો હોય છે. ત્યારે આવી જ એક દુર્ઘટના મોડાસામાં સર્જાઈ છે. મોડાસામાં નિર્માણાધીન બિલ્ડીંગનો સ્લેબ તૂટી પડતા શ્રમિકો ચોથા માળેથી નીચે પટકાયા હતા અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે. આ ઘટના માલપુર રોડ પર બની આવેલા ફોરસ્ક્વેરની નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન બની છે.
ચોથા માળેથી નીચે પટકાયા શ્રમિકો
મોડાસામાં નિર્માણ પામી રહેલા બિલ્ડીંગનો એક સ્લેબ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ છે. માલપુર રોડ પર ફોર સ્કવેર બિલ્ડિંગનો સ્લેબ તૂટી પડતાં અકસ્માત સર્જાયો છે. સ્લેબનો ભાગ તૂટી પડતાં અનેક શ્રમિકો નીચે દટાઈ ગયા હતા. જ્યારે અનેક શ્રમિકો ઈજાગસ્ત થયા છે. નવીન બિલ્ડીંગની કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાતા અફરા તફરી સર્જાઈ હતી. જ્યારે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે શ્રમિકો ચોથા માળે કામ કરી રહ્યા હતા. સેફ્ટી વગર શ્રમિકો દ્વારા કામ કરવામાં આવતા આ દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા હતા.
ઘટના અંગે પોલીસે શરૂ કરી તપાસ
દુર્ઘટના સર્જાતા ફાયર વિભાગની ટીમ તેમજ પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સેફ્ટીના અભાવે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં એક શ્રમિકનું મોત થયું છે જ્યારે અનેક શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે.