સમાજમાં દરેક માણસ દ્વારા આપવામાં આવતો ફાળો અમૂલ્ય હોય છે. અમૂક લોકો એવા હોય છે જેમનું યોગદાન પ્રત્યક્ષ રીતે આપણને નથી દેખાતું પરંતુ જો સમાજમાં તેમનું યોગદાન ન હોય તો આપણને તેમની મહત્તા સમજાઈ જાય છે. ગટરને સાફ કરતા લોકોને જોઈ આપણને તેમના દ્વારા આપવામાં આવેલા યોગદાન વિશે ખબર નથી પડતી પરંતુ જો તે ન હોય તો આપણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ ગટરની સફાઈ કરતી વખતે અનેક વખત સફાઈ કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટતા હોય છે. ત્યારે ભરૂચના દહેજમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના ગૂંગળામણને કારણે મોત થયા છે, જ્યારે એક કામદારની હાલત ગંભીર છે અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગટરમાંથી ઝેરી ગેસ છૂટતા કામદારોના જીવને છે નુકસાન!
ભૂગર્ભ ગટરમાં સફાઈ માટે ઉતરેલા કામદારો ગૂંગળામણને કારણે મોતને ભેટી રહ્યા છે. ગટરમાં ઝેરી ગેસ હોવાને કારણે સફાઈ માટે ઉતરેલા કામદારોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગૂંગળામણને કારણે કામદારોની મોત થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.
ગૂંગળામણને કારણે થયા ત્રણ કામદારોના મોત
રાજકોટથી થોડા દિવસો પહેલા આવો જ કિસ્સો સામે આવ્યો હતો જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ વખતે ગેસ લિક થતા શ્રમિકોના મોત થઈ ગયા હતા. જે બાદ આજે ભરૂચમાં આવી ઘટના બની હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કામદારોના મોતને પગલે અરેરાટી વ્યાપી ઉઠી હતી. ઘટના અંગે તપાસ કરવા પોલીસની ટીમ અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી.
નાના માણસના જીવની પણ કિંમત હોય છે
સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને કોઈ અગવડ ન થાય તે માટે પોતાના જીવની પરવા કર્યા વગર ગટરની સફાઈ કરવા નીચે ઉતરતા હોય છે. અનેક વખત ઝેરી ગેસને કારણે ગૂંગળામણને કારણે મોતને પણ ભેટતા હોય છે. ત્યારે આવા સફાઈ કામદાર મોતને ભેટે તો તેનો જવાબદાર કોણ? સમાજનો આ એવો વર્ગ છે જેને મુખ્યત્વે સન્માન આપવામાં આવતું નથી. સફાઈ કામદારને જ્યારે લોકો જૂએ તો તેમને ધીક્કારતા હોય તેવી નજરે જુએ છે. ત્યારે પૂછવાનું મન થાય કે ગટરમાં ઉતરનાર કામદાર માણસ નથી? આપણે કેમ લોકોને તેમના કામથી જજ કરીએ છીએ. પરંતુ નાના માણસના જીવની એટલી જ કિંમત હોય છે જેટલી કિંમત મોટા માણસના જીવની હોય છે.